રાજપીપળા, તા.૪

રાજપીપલા મુખ્ય મથકે નવનિર્મિત આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં નાંદોદ તાલુકાના મયાસી ગામના ૩૭ વર્ષિય પ્રફુલભાઇ પરશોતમભાઇ પટેલ, ૨૯ વર્ષિય તેમના ધર્મપત્નિ અનસુયાબેન પટેલ અને ૧૧ વર્ષિય પુત્ર કૃણાલ પટેલ આમ એક જ પરિવારના ૩ સભ્યોએ કોરોનાને માત આપતા ૪ જૂન ના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી, ત્યારે સાજા થઇને પોતાના ઘરે જઇ રહેલાં આ દરદીઓને મેડીકલ સ્ટાફે તાળીઓના ગડગડાહટ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.નર્મદા જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-૧૯ પોઝિટીવ કેસો પૈકી સાજા થયેલા કુલ-૧૮ દરદીઓને રજા અપાઇ છે.પરંતુ કોરોનાથી ડરવાની કે ગભરાવાની કોઇ જરૂર નથી, માત્ર સાવચેતી જરૂરી છે.અમને કોઇ પણ પ્રકારની મુશ્કેલી નથી પડી તેમજ ડાક્ટર અને સ્ટાફનો સહકાર અમને સતત મળતો રહેતો હતો. 

નર્મદામાં કોરોના પોઝિટિવના ચાર નવા કેસ નોંધાયા 

નર્મદા જિલ્લામાં વધુ ચાર મહિલાઓ કોરોનની ઝપેટમાં આવી છે.જેમાં રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટરની ત્રણ આશા વર્કર મહિલા કર્મચારીઓ કોરોના સર્વેની કામગીરી દરમિયાન સંક્રમિત થઈ છે.એક નાંદોદના મોટા રાયપુરની યુવતી સંક્રમિત થઇ છે.નર્મદામાં વધુ ૪ કેશો નોંધાતા અગાઉના ૧૯ મળી કુલ આંકડો ૨૩ પર પહોંચી ગયો છે.જોકે જેમાંથી ૧૮ દર્દીઓ સાજા થતા રજા આપી દેવામાં આવી છે. નર્મદા જિલ્લામાં આજે ૪ મહિલાઓ કોરોના પોઝિટિવ આવતા એમને કોવીડ ૧૯ હોસ્પિટલ રાજપીપલા ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા છે.