29, ઓગ્સ્ટ 2020
રાજપીપળા : કોરોના કેહેરને લીધે ગુજરાત પ્રદેશ ભાજપ સહિત તમામ જિલ્લાના સંગઠન પ્રમુખની વરણી અટકી પડી હતી.હાલમાં જ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટીલની વરણી કરાઈ હતી.આગામી સમયમાં ગુજરાત ભાજપ સંગઠનનું માળખું પણ બદલાશે તો સાથે સાથે જીલ્લા પ્રમુખોની વરણી પણ કરી દેવાશે.
સી.આર.પાટીલે એવા અણસાર આપી દીધા છે કે એક વ્યક્તિ એક હોદ્દો મુજબ જિલ્લા ભાજપ પ્રમુખ-મહામંત્રીની નિમણૂક કરવામાં આવશે.નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખની વરણીને લઈને અગાઉ જુના જોગીઓએ પ્રદેશ કક્ષાએ વર્તમાન સંગઠન હોદ્દેદાર વિરુદ્ધ ઘણી ફરિયાદો કરી હતી. નર્મદા જીલ્લા પંચાયત અને મોટે ભાગની તાલુકા પંચાયતમાં ભાજપના હાથ માંથી સત્તા સરકી ગઈ હતી તો સાથે જિલ્લાની બન્નેવ વિધાનસભા બેઠકો પર પણ ભાજપે હારનો સામનો કરવો પડયો હતો.આ હાર પાછળ જુના જોગીઓ વર્તમાન સંગઠન હોદ્દેદારોને જવાબદાર ઠેરવ્યા હતા અને હવે પછીની ટર્મ માટે નવા ચેહેરને તક આપવા રજૂઆતો કરી હતી.પણ આ તમામની વચ્ચે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ દેસાઈ, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત અન્ય હોદ્દેદારોએ સુરત ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.