ઓલપાડ,તા-૧૫ 

ગ્રામ્ય વિસ્તારમાં શ્રમજીવીઓ લોખંડની ખીલીના હુકનો ગલ બનાવી તેમાં અળસિયા ભેરવીને ખાડી,નહેર કે ખાબોચિયાના પાણીમાંથી માછીમારી કરી તેનું પેટીયું રળવાની પરંપરા આજે પણ યથાવત રહી છે.ત્યારે ઓલપાડમાં આવા જ એક કિસ્સામાં માછીમારી કરવા ગયેલા એક શ્રમજીવીએ પાણીમાં નાંખેલ ગલની હુકમાં માછલી સપડાવવાના બદલે મહાકાય કાચબો ભેરવાતા નેચર કલબના સ્વયં સેવકોએ ઇજાગ્રસ્ત કાચબાની સર્જરી કરાવી સલામત સ્થળે છોડી મુકવાની ઘટના પ્રકાશમાં આવી છે.ઓલપાડમાં રહેતા મહેન્દ્રભાઇ સોમાભાઇ રાણા નામનો શ્રમજીવી મચ્છી પકડવા ઓલપાડના બાવા ફળિયા પાસેથી પસાર થતી સેનાખાડીમાં ગયો હતો.આ શ્રમજીવીએ વર્ષોથી ચાલી આવેલ મચ્છી પકડવાની પરંપરા મુજબ લોખંડની રીંગવાળી ખીલીના એક છેડે દોરી બાંઘી ખીલીના અણવાળા બીજા છેડે હુકનો ગલ બનાવી તેમાં માછલીના ખોરાક માટે અળસિયું ભેરવી આ ગલ ખાડીના પાણીમાં નાંખ્યો હતો.જો કે આ ગલમાં ભેરવેલ અળસિયાને ખાવા માછલી તો ન આવી,પરંતુ ગલમાં વિશાળ કદનો કાચબો ભરવાઇ જવા પામ્યો હતો. જ્યારે ગલની હુક કાચબાના મોઢામાં ફસાઇ જતા કાચબાએ ગલમાંથી છટકવા ભારે પ્રયાસ કર્યો હતો.