બનાસકાંઠા-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જિલ્લામાં પાલનપુર, ડીસા તેમજ ભાભર નગરપાલિકાઓની ચૂંટણી માટે બન્ને પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપે 11 વોર્ડની 44 બેઠકો માટે સેન્સ લેતાં માત્ર 2 દિવસમાં 238 લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે.પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં પાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે બે દિવસમાં કુલ 238 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. શહેરની હાઇવે સ્થિત ખાનગી હોટેલમાં ભાજપના ટિકિટ વાંછુકો પાસેથી મતવિસ્તારોમાં જીત હારના સમીકરણો સમજવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે વોર્ડ નંબર 1થી 5માં કુલ 93 લોકોએ ટિકિટનો દાવો કર્યો હતો. તેમજ બીજા દિવસે વોર્ડ નંબર 6થી 11માં કુલ 145 લોકોએ ટિકિટ માટે રજૂઆત કરી હતી.બે દિવસમાં ભાજપના અગ્રણીઓએ કુલ 238 દાવેદારોને સાંભળ્યાં હતા. આ પ્રસંગે ભાજપના શહેર મહાપ્રધાન દિલીપ વાઘેલાએ મીડિયા સાથેની વાતચિતમા જણાવ્યું હતું કે, 238 માંથી 44 વ્યક્તિઓને ટિકિટ અપાશે જયારે બાકીના આગેવાનો પક્ષના ઉમેદવારને જીતાડવા તનતોડ મહેનત કરશે.