વડોદરા : સર સયાજીરાવે સ્થાપેલી બેંક ઓફ બરોડા ખાનગીકરણ દિશામાં જઈ રહી છે. આગામી સમયમાં બેંક ખાનગી કોર્પોરેટગૃહના હાથમાં જતાં તેનું પણ કદાચ બેંક ઓફ બરોડાના બદલે ખાનગી કોર્પોરેટ સાથેનું થઇ જતાં આંતરરાષ્ટ્રિય સ્તરે વડોદરાને નામના આપનારી બેંક ભારતની જાહેરક્ષેત્રની બેંકમાંથી ખાનગી કોર્પોરેટગૃહની બેંક બની જશે તેવી શક્યતાઓ રહી છે. વડોદરાની આંતરરાષ્ટ્રિય બેંક તરીકે જાણીતી બેંક ઓફ બરોડાનું આગામી સમયમાં ખાનગીકરણ કરી દેવામાં આવે તેવી શક્યતાઓ કેન્દ્રિય બજેટમાં નાણાંમંત્રી ર્નિમલા સિતારામને કરેલી જાહેરાત બાદ વધી જવા પામી છે. નાણાંમંત્રીએ તેમની જાહેરાતમાં બે જાહેરક્ષેત્રની બેંકના ખાનગીકરણનો ઉલ્લેખ કર્યો હતો. જાેકે તેમાં બેંક ઓફ બરોડા કે પંજાબ નેશનલ બેંકનો કોઇ જ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જાેકે આ જાહેરાત બાદ બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાતો, શેર બજારના નિષ્ણાતોના મતે બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકના ખાનગીકરણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આ બંને બેંકના ખાનગીકરણની શક્યતાઓના આધારે શેર બજારમાં બંનેના શેર છેલ્લા ચારદિવસમાં જ ગણનાપાત્ર રીતે વધી જવા પામ્યા છે. આઇડીબીઆઇ બેંકના ડિસઇન્વેસ્ટમેન્ટની પણ જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી.

આજે બેંક ઓફ બરોડાનો શેર રૃ.૩.૪૨ ટકા વધીને રૃ.૭૭.૨૦ના ભાવે બંધ રહ્યો હતો.જ્યારે પીએનબીનો શેર ૬.૪૯ ટકા વધીને રૃ.૩૮.૫૫ના ભાવે બંધ રહ્યો હતો. બેંક ઓફ બરોડાના શેરના ભાવ છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસમાં રૃ.૬૬.૭૫થી રૃ.૭૭.૨૦ની સપાટીએ આવ્યા છે. જ્યારે પંજાબ નેશનલ બેંકના શેર રૃ.૩૨.૫૫ની સપાટીથી વધીને આજે રૃ.૩૮.૩૫ના ભાવે બંધ રહ્યા હતા. આ બંને બેંકોનું જ ખાનગીકરણ કરવાની શક્યતાઓ એનાલિસ્ટો ગણાવે છે. કારણકે, તેમની બુક વેલ્યુના ૦.૪૫ ગણું રોજ ટ્રેડિંગ થથું હોય છે. બેંક ઓફ બરોડા અને પીએનબી રોકાણકારોના હિતને આકર્ષવામાં પણ સારી ગણાય છે. કેઆર ચોકસી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના એમડી દેવેન ચોકસીના મતે બંને બેંકો ગુણવત્તાયુક્ત કંપની ગણી શકાય છે. સરકાર બે બેંકોના ખાનગીકરણ કર્યા બાદ વધુ બેંકોના ખાનગીકરણ માટે પણ આગળ આવી શકે છે.

પીએનબીના એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ એસ.એસ. મલ્લિકાર્જુન રાવે પણ વ્યૂહાત્મક વિનિવેશ યોજનાને યોગ્ય દિશામાં પગલાં તરીકે ગણાવ્યું છે. ઇન્ડિયન બેંકના એમ.ડી. અને સીઇઓ પદ્મજા ચુન્દ્રુરુ એ પણ એક નિવેદનમાં જણાવ્યું છેકે, સરકારે બે સરકારી બેંક અને એક વીમા કંપની સહિત જાહેર ક્ષેત્રની કંપનીઓ અને નાણાંકીય સંસ્થાઓમાંથી તેમનો હિસ્સો વેચવાની વાત કરી છે તે આવકાર્ય પગલું છે.

 વર્તમાન બજેટ સત્રમાં જ સંસદમાં બે જાહેરક્ષેત્રની બેંકના ખાનગીકરણ અંગે વૈધાનિક સુધારાઓ કરવામાં આવશે તેમ પણ નાણાંમંત્રીએ જણાવ્યું હતું.

એઆઇબીઇએ બેંક હડતાળ સહિતના કાર્યક્રમો આપશે

બે બેંકોના ખાનગીકરણ અંગે ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી સી.એ. વેંકટચલમે જણાવ્યું છેકે, બેંક કર્મચારી યુનિયન આ જાહેરાતનો વિરોધ કરે છે. સરકારે બે બેંકોના ખાનગીકરણ અને એક વીમા કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી છે તેની સામે એઆઇબીઇએ આંદોલનકારી કાર્યક્રમો આગામી દિવસમાં જાહેર કરશે. જેમાં બેંક હડતાળનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છેકે, બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજ્યા બેંકનું મર્જર અગાઉ કરવામાં આવ્યું હતું અને પંજાબ નેશનલ બેંકમાં યુનાઇડેટ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનું મર્જર કરવામાં આવ્યું હતું.

શેરના ભાવમાં સતત વધારો (રૂા.)

તારીખ બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક

૨૮મી જાન્યુઆરી ૬૬.૭૫ ૩૨.૫૫

૨૯ મી જાન્યુઆરી ૬૮.૦૫ ૩૩.૩૫

૧લી ફેબ્રુઆરી ૭૩.૯૦ ૩૫.૭૫

૨ જી ફેબ્રુઆરી ૭૪.૬૫ ૩૬.૨૦

૩ જી ફેબ્રુઆરી ૭૭.૫૫ ૩૮.૩૫