જૂનાગઢ,ગીર જંગલની બોર્ડર આસપાસના ગ્રામ્યમાં બે સિંહો પશુનું મારણ કરી સાથે લઈ જતા હોવાના દ્રશ્યો રાહદારી ચાલકના કેમેરામાં કેદ થયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં દેખાતો વિસ્તાર ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલ આસપાસના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખોરાકની શોધમાં સિંહ સહિતના વન્યપ્રાણીઓ જંગલ બહાર ગ્રામ્ય વિસ્તારમાં આવી રહ્યા છે. ત્યારે રાત્રીના સમયે બે ડાલામથ્થા સિંહોએ રસ્તાની સાઈડમાં પશુનો શિકાર કર્યો હતો. જે બાદ એક સિંહ મૃત પશુને મોઢામાં લઈ જંગલ તરફ ચાલીને જઈ રહ્યો હતો. આ સમયે બીજાે સિંહ પાછળ દોડીને જઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના રસ્તા પરથી પસાર થઈ રહેલા કોઈ રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. આ વીડિયો કયા ગામનો છે તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ સિંહોને તેમજ વિસ્તાર જાેઇને આ વીડિયો ગીર જંગલના બોર્ડર આસપાસના કોઈ ગ્રામ્ય વિસ્તારનો હોવાનું જાણકારો અનુમાન વ્યક્ત કરી રહ્યા છે. ગરમીમાં લોકો તો ઠીક વન્યપ્રાણીઓ પણ ત્રાસી ગયા છે. આ સીઝનમાં જંગલમાં પાણી અને ખોરાક સરળતાથી મળતો ન હોવાથી સિંહ, દિપડા જેવા વન્યપ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં જંગલ બહારની માનવ વસતી વાળા વિસ્તારોમાં આવી ચડતા જાેવા મળે છે.