રાજકોટ-

મોરબી અને તેની આસપાસના વિસ્તારો જેવાકે વાંકાનેરમાં કોરોનાની બીજી લહેરમાં શહેર અને ગ્રામ્ય પંથકના ઘણા લોકોને ઝપટમાં લઇ લીધા છે. જેમાં કોવિડ વિભાગના તાલુકા હેલ્થ ઓફીસર પણ બાકાત નથી કોરોના મહામારીની બીજી લહેરમાં વાંકાનેરમાં મૃત્યુદર પણ વધી ગયો છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડાના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાય છે. વાંકાનેરની સરકારી હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફના ઘણા કર્મચારીઓ પણ આ બીમારીમાં સપડાયા છે અને વર્તમાન સમયમાં અપુરતા સ્ટાફ વચ્ચે દર્દીઓની સેવા કરતા જોવા મળે છે. ત્યારે તાકીદે ડોકટર અને નશીંગ સ્ટાફ વધારવા પ્રજામાંથી માંગ ઉઠી છે.

મોરબી જીલ્લામાં કોરોના દર્દીઓની સારવારમાં વધારો કરવા માટે તંત્ર કામે લાગ્યું છે. મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રાની અધ્યક્ષતામાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓની મીટીંગ યોજાઇ હતી જેમાં આગામી રવિવાર સુધીમાં મોરબી સિવિલમાં વધુ 80 બેડની વ્યવસ્થા કરવા માટેની અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને મેડિકલ સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેવું કલેકટરે જણાવ્યુ છે.