અંજાર તાલુકાના આ ગામે 75 વર્ષ બાદ પણ મંદિરમાં રાખેલો શીરો તાજો નીકળ્યો, જાણો શું છે સમગ્ર ધટના
10, સપ્ટેમ્બર 2021

કચ્છ-

આપણી સામે અનેકવાર માનવામાં ન આવે તેવી ઘટનાઓ બનતી હોય છે. કેટલાક લોકો તેને ચમત્કાર કહે છે, તો કેટલાક લોકો તેને અંધશ્રદ્ધા ગણે છે, શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો પુરાવાની જરૂર પડતી નથી. પરંતુ આજે કલિયુગમાં ચમત્કાર વગર નમસ્કાર ને કોઈ માનતું નથી. અંજાર તાલુકાના ખેડાઈ ગામે એક અદ્ભુત ઘટના ઘટી હતી. ખેડોઈ ગામમાં પટેલ વાસમાં લક્ષ્મીનારાયણ ચોકમાં 75 વર્ષ જૂનુ લક્ષ્મીનારાયણ દેવ નું મંદિર આવેલું છે. જેનુ શિખર જર્જરિત થતાં વિધિવિધાન સાથે આજરોજ તારીખ 8.9. 2021 ના હોમ હવન દ્વારા નવું શિખર કરવા માટે જુના શિખરને હટાવતા તે જગ્યાએ 75 વર્ષ જૂનો તાંબાનો સિક્કો નીકળ્યો જેમાં “માગસર સુદ છઠ, સોમવાર સંવંત 2002, મહારાવ વિજેરાજજીના વખતમાં” લખ્યું હતું. અને નવાઈની વાત તો એ છે કે,.. સિક્કા ની નીચે 75 વર્ષ જૂની લાપસી ની પ્રસાદી નીકળી.

પ્રસાદી ને જોતા ખ્યાલ આવે કે જાણે પ્રસાદી હમણાં જ તાજી બનાવેલી હોય તેવી ઘી ની સુગંધ આવે છે. ઇશ્વર ની હાજરી સમજો કે વૈજ્ઞાનિક કરામત સમજો જે હોય તે ભાવિક ભક્તો લક્ષ્મીનારાયણ ભગવાનની જય બોલી પ્રસાદને આરોગી હતી. અને લક્ષ્મી નારાયણ ભગવાન પ્રત્યેક્ષ હોય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.હાલ અંજારના ભક્તો આ ચમત્કારને નજરોનજર જોઈ શકે તે માટે શીરાને સાચવવામાં આવ્યો છે. આ અદભૂત ઘટનાને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે તેવુ ખેડોઈના પાટીદાર સનાતન સમાજના પ્રમુખ અંબાલાલભાઈ છાભૈયાએ જણાવ્યું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution