વલસાડ,  વલસાડના મુખ્ય રસ્તાઓ અને જાહેર સ્થળોએ બેફામ બનાવી દેવાયેલા ગેરકાયદેસર બાંધકામોને કારણે ટ્રાફિક જામની સમસ્યાની સાથે સાથે જ નાગરિકોને પડતી અવર-જવરની સમસ્યાનો નિકાલ લાવવા માટે સક્રિય બનેલી નગરપાલિકાની ટીમે ડિમોલિશન ડ્રાઈવ આદરી હતી. આ ડ્રાઈવ હેઠળ અનેક સ્થળોએ ગેરકાયદેસર પચાવી પાડેલાં રસ્તા કે જમીનો પર બાંધી દેવાયેલા બાંધકમો પર બુલડોઝર ચલાવી દેવાયા હતાં. નાગરિકો દ્વારા પાલિકાની દબાણ હટાવવાની કામગીરીને વધાવી લેવાઈ છે. 

વલસાડ શહેરના ઉત્તરીય પટ્ટીના ડુંગરી,ગુંદલાવ, ખેરગામ સુધીના ગામડાઓ તથા ગુંદલાવ હાઇવે વિસ્તારમાં રોડ માર્જિનમાં આવતા વધારાના ૧૫ દૂકાનો કેબિનોના પાકા દબાણો ઉપર શુક્રવારે પાલિકાએ બુલડોઝર ફેરવી તોડી નાખ્યા હતા. શહેરના મુખ્ય માર્ગોને પહોળા કરવા માટે માર્જિનમાં આવતાં વધારાના અનધિકૃત દબાણો દૂર કરવા માટે અનેકવાર ફરિયાદો ઉઠી રહી હતી.

જાે કે ટ્રાફિકના સળગતા પ્રશ્ને નવા એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ પહેલ કરી શહેરમાં ટ્રાફિકના ફ્રી મુવમેન્ટનો મુદ્દો અગ્રસ્થાને મૂકી કાર્યવાહી હાથ ધરી હતી.આ સાથે કલેકટર આર.આર.રાવલ સાથે રોડ માર્જિનના ગેરકાયદે દબાણો દૂર કરવા સંયુક્ત બેઠકોમાં આ પ્રશ્નના ઉકેલ માટે ર્નિણય કરાયા બાદ રોડ માર્જિનના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર ન થાય તો ડિમોલિશન કરવા સૂચના જારી કરાઇ હતી.

પાલિકાએ તાજેતરમાં બેચર રોડ,આવાબાઇ સ્કૂલ રોડ,એસટી ડેપો સામેના વિસ્તારના દબાણો દૂર કર્યા બાદ ઉત્તર દિશાના શહેરના પ્રવેશ દ્વારથી પસાર થતા સ્ટેટ હાઇવેના રોડ માર્જિનના દબાણોનું ડિમોલિશન કરવા પાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં પ્રથમ ચરણમાં ૨૫ દૂકાનોના વધારાના બાંધકામ દૂર કરાયા બાદ શુક્રવારે ૧૫ જેટલી દૂકાનો કેબિનોના અનધિકૃત અતિક્રમણ ઉપર પાલિકાની ટીમે જેસીબીનો હથોડો ઝિંક્યો હતો.જેના પગલે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ પેસી ગયો હતો.