જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વસપડા ગામની સીમમાં મજૂરીકામ કરતો એક પરિવાર રાત્રે વાડીએ આવેલા ગોડાઉનમાં સૂતો હતો. ત્યારે દરવાજાે અડધો ખુલ્લો રહી જતાં એક દીપડો અંદર ચડી આવી શ્રમિક માતાના પડખામાં ઊંઘી રહેલા પાંચ વર્ષના બાળકને ઉપાડી ગયો હતો. પરિવાર જાગી જતાં બુમારાણ મચી જવા પામી હતી, પરંતુ દીપડો બાળકને ઉપાડી નાસી ગયો હતો. આજે શુક્રવારે વહેલી સવારે દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવતાં શ્રમિક પરિવાર પર આભ ફાટ્યું હતું. આ ઘટનાને લઈ ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી હોવાથી સત્વર દીપડાને પાંજરે પૂરવાની માગ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણવા મળેલી વિગત મુજબ, મૂળ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાતા ગામના મિનેશભાઈ સોમાભાઇ ચરપોટ અને તેમના ભાઈ મનહરભાઈ ચરપોટ, પત્ની અને બાળકો સાથે ૧૫ દિવસ પહેલાં વંથલી તાલુકાના વસપડા ગામની સીમમાં દીપકભાઈ પટોળિયાની વાડીએ મજૂરીકામ અર્થે આવ્યાં હતા. ગઈકાલે ૨૮ ઓક્ટોબરની રાતે આ પરિવાર મજૂરીકામેથી આવી જમ્યા બાદ દીપકભાઇની વાડીના ગોડાઉનમાં ઊંઘી ગયો હતો. મનહરભાઈનો પાંચ વર્ષનો પુત્ર યોગેશ તેની માતા રમીલાબેનના પડખામાં પરિવારજનો સાથે ઊંઘી રહ્યો હતો. એ સમયે ગોડાઉનનો અડધો દરવાજાે ખુલ્લો રહી ગયો હોવાથી રાત્રિના પોણાબારેક વાગ્યા આસપાસ સીમમાંથી એક દીપડો ચડી આવ્યો હતો. દીપડો અડધા ખુલ્લા દરવાજામાંથી ગોડાઉનની અંદર ઘૂસી જઈ માતાના પડખામાં ઊંઘી રહેલા પાંચ વર્ષના માસૂમ યોગેશને ઉપાડી ગયો હતો. એ સમયે અવાજ થતાં શ્રમિક પરિવાર જાગી જતાં રાડારાડ કરી મૂકી હતી, પરંતુ દીપડો યોગેશને ઉપાડી દીપકભાઈના ખેતરની આગળ મીઠાપુર ગામની સીમ તરફ જતો રહ્યો હતો.

આ અંગે મિનેશભાઇએ ખેતરમાં પાણી વાળતા વાડીના માલિક દીપકભાઈને જાણ કરતાં તેમણે આવી સરપંચને ફોન કરી બોલાવી વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ, શ્રમિક પરિવાર અને અન્ય ગ્રામજનોએ માસૂમ યોગેશની શોધખળ હાથ ધરી હતી. દરમિયાન વહેલી સવારે સાડાછ વાગ્યા આસપાસ વસપડાની સીમમાંથી યોગેશનો મૃતદેહ મળ્યો હતો, જેને પગલે શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. માસૂમ પાંચ વર્ષના યોગેશનાં આંતરડાં બહાર નીકળી ગયાં હતાં અને માથા, ગળા તેમજ ડાબા પગમાં ગંભીર ઇજા થઈ હતી. બાદમાં આ બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો. આ ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય પ્રસરી ગયો હોવાથી ખૂનખાર દીપડાને સત્વર પકડીને કેદ કરવાની માગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી, જેથી વન વિભાગના સ્ટાફે વાડી આસપાસ પાંજરાં મૂકી આદમખોર દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે.