અમદાવાદ-

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડએ ગુજરાતની કિનારે એક પાકિસ્તાની બોટને અટકાવી છે. આ બોટની સાથે ૧૨ ક્રૂ મેમ્બર્સની પણ ધરપકડ કરવામાં આવી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડએ પાકિસ્તાનની આ બોટને રાત્રે પકડી છે. બોટ અને તેમાં સવાર ૧૨ લોકો પર ગેરકાયદેસર રીતે ભારતીય જળસીમામાં પ્રવેશવાનો આરોપ છે.

ભારતીય તટરક્ષક જહાજ રાજરતનએ આ પાકિસ્તાની બોટને સર્વેલન્સ મિશન દરમિયાન ભારતીય જળસીમામાં પ્રવેશતા પકડી છે. પાકિસ્તાનની આ બોટનું નામ અલ્લાહ પાવકલ છે. બોટ જપ્ત કર્યા બાદ તેને વધુ તપાસ માટે ઓખા લાવવામાં આવી છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડએ બુધવારે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ૧૪ સપ્ટેમ્બરની રાત્રે ભારતીય કોસ્ટગાર્ડ જહાજ રાજરતન પેટ્રોલિંગ પર હતા, તે દરમિયાન તેણે અલ્લાહ પાવકલ નામની પાકિસ્તાની બોટને ભારતીય જળસીમામાં રોકી હતી. તેમાં ૧૨ ક્રૂ મેમ્બર્સ હતા. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડએ કહ્યું કે ખરાબ હવામાન હોવા છતાં મંગળવારે રાત્રે આ પાકિસ્તાની બોટ પકડાઈ હતી. આ મામલાની તપાસ માટે બોટને ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા લઈ જવામાં આવી હતી.