ભારત-પાક. સરહદ પરના ઝીરો પોઇન્ટ ખાતે સુવિધાઓ વિકસાવાશે વિજય રૂપાણી
18, જુન 2021

 વડગામ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભારત -પાકિસ્તાન સરહદે અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર નડાબેટ ખાતે ‘સીમાદર્શન અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના હાથ ધરાઇ રહેલા વિવિધ પ્રવાસન વિકાસ કામોની નિરીક્ષણ મૂલાકાત નડાબેટ જઇને કરી હતી પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરૂવારે સવારે નડાબેટ પહોચ્યા હતા જ્યાં તેઓએ નડેશ્વરી માતાના દર્શન-પૂજન કરી તેમની મૂલાકાતનો પ્રારંભ કર્યો હતો.સીમાદર્શનનો આ પ્રોજેકટ સમગ્રતયા અંદાજિત ૧૨૫ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે. આગામી ૧૫ ઓગસ્ટ પહેલા પૂર્ણ થવાનો અંદાજ છે. ગુજરાત પ્રવાસન નિગમે નડેશ્વરી માતાના મંદિર પાસે વિસામોની કામગીરી પૂર્ણ કરી છે. નડેશ્વરી મંદિરથી સીમાદર્શન માટેના ઝીરો પોઇન્ટ સુધી જવાના માર્ગ પર ટી જંકશન પાસે વિવિધ યાત્રી સુવિધાના કામો અલગ-અલગ ચાર ફેઇઝમાં હાથ ધરાઇ રહ્યા છે. મુખ્યમંત્રીએ આ કામોમાં ફેઇઝ-૧ના કામો જે અંદાજે રૂ. ૨૩ કરોડના ખર્ચે પૂર્ણતાને આરે છે તે કામો અને યાત્રી સુવિધાઓનું સ્થળ નિરીક્ષણ કરી સંપૂર્ણ વિગતો મેળવી હતી.મુખ્યમંત્રીએ પ્રવાસન મંત્રી સાથે બીજા ફેઇઝના કુલ ૩૨ કરોડના ખર્ચે નિર્માણાધિન વિકાસ કામોનું પણ નિરીક્ષણ કર્યુ હતું.આ બીજા ફેઇઝના કામોમાં અજય પ્રહરી સ્મારક, પરેડ ગ્રાઉન્ડ, એકઝીબીશન સેન્ટર અને સરહદ સલામતીની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેઇટના કામો હાલ ચાલી રહ્યા છે. મુખ્યમંત્રીએ મૂલાકાત દરમ્યાન પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નડાબેટ સીમાદર્શન કાર્યક્રમ બોર્ડર ટૂરિઝમ ક્ષેત્રે વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતને આગવું સ્થાન અપાવશે.આ સ્થળની મૂલાકાતે આવનારા પ્રવાસીઓ આપણા સુરક્ષાબળોની જવાંમર્દી, રાષ્ટ્રપ્રેમ ભાવનાના ઇતિહાસથી ગૌરવાન્વિત થશે. પ્રવાસન પ્રવૃત્તિ વધતાં રોજગારીની તકોનું પણ સર્જન થશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution