વડોદારા, તા.૨૨ 

કલેક્ટર કચેરી ખાતેના ધારાસભા હોલમાં વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તૈયાર કરવામાં આવેલી મુદ્રિત અને ડિજિટલ ઉદ્યોગ ડિરેક્ટરીનુ રાજ્યકક્ષાના નર્મદા વિકાસ મંત્રી યોગેશભાઈ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ ડિરેક્ટરીથી વડોદરાના ઉદ્યાગ જગતની તમામ માહિતી એક જ પુસ્તિકામાં ઉપલબ્ધ થતા, ઉદ્યોગકારોને પરસ્પર વેપાર વિકસાવવા માટેની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થશે અને વડોદરા શહેર-જિલ્લાના વેપાર-ઉદ્યોગના વિકાસને વેગ મળશે.

આ વિમોચન પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી યોગેશભાઈ પટેલ, સાંસદ રંજનબેન પટેલ, કલેક્ટર શાલિની અગ્રવાલને વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોદ્દેદારોએ સ્મૃતિચિહ્નન અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા હતાં. રાજ્યના મંત્રી યોગેશભાઈ પટેલે જણાવ્યુ કે, કોવીડ-૧૯ના પગલે લગભગ તમામ ક્ષેત્રો કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. સમગ્ર દેશમાં લોકડાઉનના પગલે રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે, ત્યારે અહિંના ઉદ્યોગકારો લોકોને રોજગારી પૂરી પાડે સાથે જ કામદારોની રોજગારી ન છીનવાઈ તે માટે તકેદારી લેવા અનુરોધ કર્યો હતો.

તેમણે પટેલે કલેક્ટર શાલિની અગ્રવાલની જનપ્રશ્નોને ઉકેલવાની તત્પરતાને બિરદાવતા કહ્યુ કે તેમની કાર્યપદ્ધતિ, કાર્યક્ષમતા અને પ્રજાલક્ષી નિર્ણયના પગલે દેશના શ્રેષ્ઠ કલેક્ટરોમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત તેમણે આ ડિરેક્ટરી બનાવવા માટે જહેમત ઉઠાવનાર વીસીસીઆઈના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.સાંસદ રંજનબેન ભટ્ટે શાલિની અગ્રવાલનો દેશના શ્રેષ્ઠ કલેક્ટરમાં સમાવેશ થવા બદલ અભિનંદન આપતા કહ્યું કે, તેમના જેવા કલેક્ટર વડોદરા જિલ્લાને મળવા તે ખરેખર આપણા સૌનુ સદભાગ્ય છે. લોકડાઉન દરમિયાન ઝડપભેર નિર્ણય કરીને ઉદ્યોગોને ધમધમાતા કરવા તેમણે બહુ મોટુ યોગદાન આપ્યું છે.