16, માર્ચ 2021
ગાંધીનગર, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાની મહામારીએ ફરીથી પોતાનો ભરડો લીધો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ફરી એકવાર કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. બે દિવસ અગાઉ અમદાવાદના દસક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ કોરોના ગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી ઇશ્વર પટેલ કોરોનાં સંક્રમિત થયા છે. રાજ્યના અન્ય એક મંત્રીના સ્ટાફના ચાર સભ્યો તેમજ કેબિનેટ મંત્રીના સ્ટાફના એક કર્મચારી પણ કોરોના ગ્રસ્ત થયા છે. જેના કારણે એવું કહી શકાય કે કોરોનાએ હવે રાજ્ય સરકારના મંત્રીમંડળમાં પણ પગપેસારો કર્યો છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાની મહામારીએ ફરીથી પોતાનો ભરડો લીધો છે. ત્યારે ગુજરાત સરકારના રાજયકક્ષાના મંત્રી ઈશ્વર પટેલ કોરોના ગ્રસ્ત થયા છે. મંત્રી ઈશ્વર પટેલે કોરોનાના લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે હાલ તેઓ અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયકક્ષાના મંત્રી ઈશ્વર પટેલે બે દિવસ અગાઉ જ એટલે કે, ગત તા, ૧૩ માર્ચના રોજ અંકલેશ્વરના સિસોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ અંગે સોશિયલ મીડિયા પર તેમણે જણાવ્યું પણ હતું કે, આજે તા. ૧૩/૦૩/૨૦૨૧ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સિસોદરા, અંકલેશ્વર ખાતે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. કોરોના વાયરસની આ રસી એકદમ સલામત છે અને તેની કોઈ આડઅસર થતી નથી. આપણે કોરોના મહામારી સામેની લડતમાં ત્યારે જ સફળ થઈશું જ્યારે દરેક નાગરિક રસી લેશે. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે ભારતીય રસીની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે.