અમદાવાદ-

રાજય સહિતના આખા દેશમાં કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે અગાઉના મોટાભાગના તહેવારો-ઉત્સવો ઉજવ્યા વિના પસાર થઈ ગયા. હવે આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ તહેવારની ઉજવણી સામે પણ કોરાનાને લઈને પ્રશ્ર્નાર્થ ચિહનો છે. આ મામલે હજુ સરકારે કોઈ ફાઈનલ નિર્ણય લીધો નથી તો કેટલાક ગરબાના આયોજકોએ કોરોનાના રાજયમાં વધતા જતા કેસ અને મૃત્યુને લઈને સ્વૈચ્છીક રીતે ગરબાનું આયોજન મોકુફ રાખ્યું છે. આ સંજોગોમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાતમાં કોરોના મહામારીના માહોલમાં નવરાત્રી ન ઉજવવી જોઈએ તેવો અંગત મતમાં સંકેત આપ્યો હતો.

ગુજરાતમાં નવરાત્રી યોજવી કે નહીં તેવા પ્રેસ કોન્ફરન્સમાં પૂછાયેલા પ્રશ્ર્નના જવાબમાં પાટીલે જણાવ્યું હતું કે સરકાર આ બાબતે તબીબો સાથે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું. જયારે ભાજપ પ્રદેશ પ્રમુખને એમ પૂછવામાં આવ્યું કે અંગત રીતે આપ શું માનો છો? શું ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી કરવી જોઈએ કે નહીં? આ પ્રશ્ર્નના જવાબમાં પાટીલે જણાવ્યું હતું કે ન થવી જોઈએ. આમ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે નવરાત્રી પર્વ કોરોના કાળમાં ન ઉજવાવા જોઈએ તેવા સંકેતો આપ્યા છે, ત્યારે સરકાર આ બાબતે શું નિર્ણય લેશે તેના પર સૌની મીટ છે.