જંગલોનું જતન અને સંવર્ધન કરવું આપણી ફરજ છે : લીલા અંકોલિયા
08, ઓગ્સ્ટ 2020

છોટાઉદેપુર, તા.૭ 

 વૃક્ષ પૂજનીય છે. જંગલોનું જતન અને સંવર્ધન કરવું એ આપણી સૌની સહિયારી ફરજ છે એમ, રાજયના મહિલા આયોગના અધ્યક્ષા સુશ્રી લીલાબેન અંકોલિયાએ જણાવ્યું હતું. છોટાઉદેપુરના ફત્તેપુરા ખાતે આવેલ સ્વામીનારાયણ હોલ ખાતે આયોજીત ૭૧મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણીમાં ઉપસ્થિત સૌને સંબોધિત કરતા તેમણે વૃક્ષોના મહત્વ અંગે જણાવ્યું હતું કે, વૃક્ષો આપણને ફળ-ફુલ, છાંયડો તેમજ આયુર્વેદિક ઔષધિઓ આપે છે.

વૃક્ષોનું જતન કરવામાં આવશે તો પર્યવારણીય સમતુલા જાળવી શકાશે. વરસાદ લાવવામાં પણ વૃક્ષો ખૂબ મદદરૂપ થાય છે એમ કહી તેમણે વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જરૂરી છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ઔષધિય ગુણોથી ભરપૂર તુલસીનો છોડ દરેક ઘરના આંગણામાં હોવા જરૂરી છે એમ ઉમેરી વિવિધ વૃક્ષોના ગુણધર્મ અને ઉપયોગ અંગે પણ વિગતે જાણકારી આપી હતી.

વધુમાં તેમણે રાજય સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે ૧૩૮ જેટલી યોજનાઓ અમલમાં મુકી હોવાથી ગુજરાતમાં મહિલા સશક્તિકરણ ખૂબ સારૂં થયું છે એમ જણાવી તેમણે રાજયમાં ચાલતી ૨૭૦ નારી અદાલતમાં ૪૦૦ બહેનો નોકરી કરે છે એમ કહી રાજયનો દરેક નાગરિકે એક વૃક્ષ વાવી ઉછેરે એ માટે સંકલપબદ્ધ થવા હાકલ કરી હતી. છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ જંગલ આપણી સંપત્તિ છે એમ કહી જંગલના ફાયદાઓ વિશે વિગતે સમજ આપી હતી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution