અમદાવાદ, સ્માર્ટ સિટી વહીવટીતંત્રના અનેક પ્રયાસ છતાં અમદાવાદમાંથી એકઠા કરવામાં આવેલા ઘનકચરાની પીરાણા ડમ્પસાઈટને સંપુર્ણ કચરામુકત થતા હજુ વધુ ત્રણ વર્ષનો સમય લાગે એમ છે.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પીરાણા ડમ્પસાઈટને કચરામુકત કરવા આપેલી સમયમર્યાદા પુરી થતા પહેલા મ્યુનિ.તંત્ર ફરી એક વખત સમયમર્યાદામાં વધારો કરવા રજુઆત કરશે એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરના સાત ઝોનમાંથી રોજ ૪૫૦૦ મેટ્રીકટન જેટલા ઘનકચરાને એકઠો કરી પીરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પસાઈટ ખાતે મોકલી કચરાને પ્રોસેસ કરવામાં આવી રહ્યો છે.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં આ ડમ્પસાઈટને સંપુર્ણ કચરામુકત કરવા માટે ડેટલાઈન આપવામાં આવી હોવાનું મ્યુનિ.ની બજેટ બોર્ડ બેઠક સમયે ચર્ચા દરમ્યાન જમાલપુરના કોર્પોરેટર રફીક શેખે કહ્યુ હતું.વહીવટીતંત્રના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ,પીરાણા ડમ્પસાઈટને કચરામુકત થતા હજુ વધુ ત્રણ વર્ષનો સમય લાગી શકે એમ છે. પીરાણાની ૮૦ એકર જમીનમાં પથરાયેલા શહેરના ઘનકચરા પૈકી ૨૦ એકર જમીનને મ્યુનિ.તંત્ર કચરામુકત કરી શકયુ છે.ડમ્પસાઈટ ખાતે ૩૦૦ મેટ્રીકટન ક્ષમતાના ૬૦ ટ્રોમીલ મશીન અને એકહજાર મેટ્રીકટન ક્ષમતાના સાત ટ્રોમીલ મશીનની મદદથી હાલમાં ઘનકચરાનું પ્રોસેસીંગ કરવામાં આવી રહ્યુ છે.જે સામે રોજ ૪૫૦૦ મેટ્રીકટન ઘનકચરો ઉમેરાઈ રહ્યો છે.આ પરિસ્થિતિમાં મ્યુનિ.તંત્ર ફરી એક વખત નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સમક્ષ પીરાણા ડમ્પસાઈટને સંપુર્ણ કચરામુકત કરવા સમયમાં વધારો કરવા અંગે રજુઆત કરશે એ નિશ્ચિત મનાઈ રહ્યુ છે.