જામનગર: પરિવાર પર હુમલો કરી રૂપિયા 8 લાખથી વધુની લૂંટ
23, ફેબ્રુઆરી 2021

જામનગર-

જિલ્લાના ખોજા બેરાજા ગામની સીમમાં એક પરિવારના ખેતરમાં મધ્યરાત્રિના સમયે માસ્ક પહેરેલા 8 લૂંટારૂઓ ત્રાટકીને પરિવારજનો ઉપર હુમલો કરી ધમકી આપી રૂમમાં પૂરી દઈ અને રૂપિયા 1.50 લાખની કિંમતની કાર અને રૂપિયા 5.60 લાખની કિંમતના 16 તોલા સોનાના દાગીના મળી કુલ રૂપિયા 8,62,000 ની કિંમતની માલમતાની લૂંટ ચલાવી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ખોજા બેરાજા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા વિક્રમભાઈ ઓડેદરાની વાડીમાં રાત્રિના સમયે 8 જેટલા લૂટારુઓએ ધોકા પાઈપ જેવા હથિયારો વડે પરિવાર પર આડેધડ હુમલો કરી દીધો હતો. જેમાં વાડી માલિક વિક્રમભાઈ ઉપરાંત તેના પુત્ર રામભાઈ અને પુત્રી નિરૂબેન પર ઘાતક હુમલો કર્યો હતો. લાકડાના ધોકા વડે વિક્રમભાઈને ઈજા પહોંચાડી હતી. તેમજ તેની પુત્રીને પર માથા પર જીવલેણ ઘા માર્યો હતો, જ્યારે બાજુના રૂમમાં નિંદ્રાધિન પુત્ર રામ પણ અવાજ સાંભળીને દોડી આવ્યાં હતાં. જેથી લૂંટારૂઓએ હુમલો કરી ભય બતાવી ઘરમાં રોકડા રૂપિયા કયાં રાખ્યા છે તે બતાવો નહીંતર તમને તમામને મારી નાખશુ તેવી ધમકી આપી ઓરડામાંથી રૂપિયા દોઢ લાખની રોકડ રકમ લૂંટી લીધી હતી.

ત્યારબાદ બે મોબાઇલ ફોન આંચકી લઈ અને વાડીના ફળિયામાં પાર્ક કરેલી કારની ચાવી પણ છીનવી લઈ તમામ લૂંટારૂઓ પરિવારને રૂમમાં પૂરી દઈ કારમાં બેસીને ભાગી છૂટયા હતાં. ત્યારબાદ રૂમમાં પૂરાયેલા પરિવારના સભ્યો દ્વારા બુમાબુમ કરાતા આજુબાજુના રહેવાસીઓ દોડી આવ્યાં હતાં અને બંધ રૂમનો દરવાજો બહારથી ખોલ્યા બાદ લૂંટ અને હુમલાનો ભોગ બનેલા પરિવારજનોને 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં નીરૂબેનની હાલત ગંભીર હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

વાડી વિસ્તારમાં થયેલી લૂંટ અને હુમલાના બનાવની જાણ થતા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને હુમલાનો ભોગ બનેલા રામ વિક્રમભાઇ ઓડેદરાના યુવાનના નિવેદનના આધારે રૂપિયા 1.50 લાખની કિંમતની કાર અને બે હજારની કિંમતના બે મોબાઇલ ફોન તેમજ રૂપિયા 5.60 લાખની કિંમતના ચાર તોલાના ત્રણ સોનાના ચેઈન અને ત્રણ તોલાનું એક પેન્ડલ તેમજ આશરે 6 તોલાનું એક મંગલસૂત્ર તેમજ બે તોલાનો હાથનો પંજો અને એક તોલાની બે વીંટી મળી કુલ 16 તોલાના સોનાના દાગીના મળી કુલ રૂપિયા 8,62,000 ની માલમતાની લૂંટ ચલાવ્યાની 8 લૂંટારૂઓ વિરૂદ્ર લૂંટ અને હુમલાનો ગુનો નોંધી જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution