અમદાવાદ-

જામનગર શહેરના કસ્ટમ વિભાગમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાજેતરમાં જ કસ્ટમ વિભાગમાંથી રૂ. 1 કરોડની કિંમતના સોનાની ચોરી થઇ છે. જેના લીધે તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે, કચ્છ કસ્ટમ દ્વારા ભૂકંપ સમયે જામનગર કસ્ટમમાં આ સોનું જમા કરાવવામાં આવ્યું હતું.

તમને જણાવી દઇએ કે, કચ્છ કસ્ટમ વિભાગનું કરોડોનું સોનું જામનગર કસ્ટમમાં હતું. ત્યારે વર્ષ 2016માં કચ્છ કસ્ટમને સોનું પરત કરતા તેમાં અંદાજે 2 કિલો જેટલું સોનું ઓછું નીકળ્યું હતું. જેથી હવે અજાણ્યા એક કર્મચારીએ 1.10 કરોડની કિંમતનું સોનું લઇ લીધું હોવાની ફરિયાદ બી ડિવિઝનમાં નોંધાઇ છે. જેથી આ ઘટનાને લઇને કસ્ટમ વિભાગમાં ભારે દોડધામ મચી ગઇ છે. 

આ ઘટના અંગે મળતી વિગત અનુસાર, જામનગરના કસ્ટમ વિભાગ હસ્તકના જમા સોનામાંથી રૂ. એક કરોડની કિંમતનું સોનું ચોરી થયું છે. એક કરોડની કિંમતના 2156.72 ગ્રામ સોનાની ચોરી થઇ છે. આ મામલે જામનગર કસ્ટમ વિભાગના અધિકારીએ બે કિલો સોનાની ચોરી કોઈ અંદરના જ માણસે કરી હોવાનું જણાવી રહ્યાં છે. 

તમને જણાવી દઇએ કે, વર્ષ 1982 અને 1986માં કચ્છ કસ્ટમ વિભાગે દરોડાં પાડ્યા હતાં. ત્યારે દાણચોરીથી ભારતમાં લાવવામાં આવી રહેલો સોનાનો જથ્થો ઝડપી લેવાયો હતો. આ જથ્થો વર્ષ 2001 સુધી ભુજના કસ્ટમ વિભાગમાં સુરક્ષિત રખાયો હતો. પરંતુ ગુજરાતમાં કચ્છમાં ભૂકંપ બાદ કસ્ટમ વિભાગની ભુજની કચેરીને મોટું નુકસાન થતા સોનાને જામનગરના કસ્ટમ વિભાગને સોંપાયુ હતું. પરંતુ હવે તેમાંથી એક કરોડની કિંમતના 2156.72 ગ્રામ સોનાની ચોરી થતા તંત્રમાં હાહાકાર મચી ગયો છે.