વડોદરા : કલેકટર અને મ્યુનિ. કમિશનર તરીકેની ફરજાેમાં સતત વિવાદોથી ઘેરાયેલા રહ્યા બાદ ઓએસડી તરીકે વડોદરા આવેલ ડો. વિનોદ રાવ સહિતના તમામ અધિકારીઓ કોરોના અંગેની મિટિંગો દરમિયાન ફ્રૂટ જ્યુસની જયાફતો માણે છે અને મિટિંગો ગમે ત્યાં થાય પણ એના મોટા ખર્ચાઓ પાલિકાાન માથે નાખવામાં આવે છે એવી શરમજનક માહિતી બહાર આવી છે. મહત્ત્વની વાત તો એ છે કે ગોત્રી હોસ્પિટલ, સયાજી હોસ્પિટલ અને ખુદ જીઈબી ગેસ્ટ હાઉસનું પોતાનું બજેટ છે ત્યારે ત્યાં મળેલી મિટિંગોનો તમામ ખર્ચ માત્ર પાલિકામાંથી કેમ લેવાય છે? કે એક જ ખર્ચના એ તમામ ચાર સ્થળોએથી બિલ લેવાય છે? એવો સવાલ ઊભો થયો છે. 

એક તરફ ગોત્રી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને પીવાનું શુદ્ધ પાણી નહીં મળતું હોવાની ફરિયાદો વારંવાર થઈ રહી છે ત્યારે ઓએસડી ડો. વિનોદ રાવની મિટિંગોમાં દરેક બેઠકદીઠ પાંચ પાંચ હજાર રૂપિયાના જ્યુસ પીવાતા હોવાનું બિલ પાલિકાના એકાઉન્ટ શાખામાં રજૂ કરવામાં આવતાં પાલિકાના કર્મચારીઓમાં આવા ખર્ચાઓ અંગે રોષ સાથે ચર્ચાઓ થઈ રહી છે.

પાલિકામાં ચાલતી ચર્ચા પ્રમાણે ઓએસડીની મિટિંગ પાલિકામાં ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઈ હોય અને એમાં સરભરા દરમિયાન જ્યુસ પીરસાયો હોય એનો ખર્ચો પાલિકા કરે એ માન્યામાં આવી શકે છે, પરંતુ પાલિકા બહાર અન્ય કચેરીઓ અને જીઈબી ગેસ્ટ હાઉસ ખાતે યોજાતી વારંવારની મિટિંગોમાં પણ જ્યુસનો મોટો ખર્ચો પાલિકાના માથે નંખાય છે એનો વહીવટ પણ એક હર્ષિત ત્રિવેદી નામનો વિવાદીત કર્મચારી કરતો હોવાનું બહાર આવ્યું છે.પાલિકામાં રજૂ કરાયેલા બિલમાં માત્ર ૧૫ દિવસની વિગતો બહાર આવી છે જેમાં તા.૧૫-૧૦ના રોજ ઓએસડીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની મિટિંગોમાં જ્યુસની વ્યવસ્થામાં રૂા.૪૨૩૦, ઓએસડીની અધ્યક્ષતામાં તા.૨૦-૧૦-૨૦ના રોજ યોજાયેલી વિવિધ હોસ્પિટલના ડોકટરોની મિટિંગમાં ૪૫૭૦ રૂપિયાના જ્યુસ, એવી જ રીતે તા.૨૩-૧૦ની મિટિંગમાં રૂા.૩૮૮૦નો જ્યુસ, તા.૨૮-૧૦ના રોજ ઓએસડી કલેકટર-ડીડીઓની મિટિંગમાં ૪૭૫૦ રૂપિયાનો જ્યુસ અને તા.૩૧-૧૦ના રોજ જીઈબી ખાતે ઓએસડીની અધ્યક્ષતામાં ગોત્રી અને એસએસજીના ડોકટરની બેઠકમાં રૂા.૪૮૭૦નો જ્યુસ પીરસાયો હતો. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ગોત્રી હોસ્પિટલનું બજેટ અને ખર્ચા સરકાર આપે છે. એવી જ રીતે સયાજી હોસ્પિટલના ખર્ચા રાજ્યના આરોગ્ય વિભાગના શિરે હોય છે. જ્યારે જીઈબીના ગેસ્ટ હાઉસનો ખર્ચા મધ્ય ગુજરાત વીજ કંપની ઉપાડે છે તેમ આ સ્થળો ઉપર યોજાતી બેઠકોનો ખર્ચ પાલિકાના માથે કેમ નાખવામાં આવે છે? પાલિકામાં ચાલતી ચર્ચા પ્રમાણે બેઠકના આવા ખર્ચા ચાર જુદા જુદા સ્થળો ઉપર પાડી કૌભાંડ તો નથી કરવામાં આવતું ને? જાે એમ હોય તો તાત્કાલિક તપાસ થવી જાેઈએ એવી માગ ઊભી થઈ છે.

એક તરફ પાલિકાની તિજાેરીનું તળિયું દેખાઈ રહ્યું છે અને બીજી તરફ કોરોના મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે એવા સમયે મિટિંગોમાં અંગ્રેજ હાકેમાની જેમ સરભરાનો આગ્રહ રાખનારા ઓએસડીએ પણ માત્ર ૧૫ દિવસોમાં યોજાયેલી પાંચ બેઠકોમાં રૂા.૨૩ હજાર જેટલા રૂપિયાના ખર્ચે કરાવવાનો આગ્રહ રાખતાં પહેલાં વિચારવું જાેઈએ એવી ચર્ચાએ પાલિકાની લૉબીમાં જાેર પકડયું છે.

વર્ગ -૪ના કર્મચારી હસિત ત્રિવેદીને આટલી બધી સત્તા?!

પાલિકાના પાણી પુરવઠા વિભાગના વર્ગ-૪નો કર્મચારી હસિત ત્રિવેદી પણ હંમેશાં વિવાદમાં રહ્યો છે. બની બેઠેલા પીઆરઓ હસીતને કોના ઈશારે આટલી મોટી રોકડ રકમની જવાબદારી આપવામાં આવી એવો પણ સવાલ પાલિકાની લૉબીમાં ચર્ચાઈ રહ્યો છે. જ્યારે ખરેખર જ્યુસ પાછળ આટલી રકમનો ખર્ચો થયો છે કે કેમ? એની તપાસ થવી જાેઈએ પરંતુ એકાઉન્ટ શાખામાં બિલ મુકાયા છે એ પણ હકીકત છે.

૧૫ દિવસમાં જ જ્યુસના બિલનો આંકડો રપ હજારે પહોંચ્યો!

ઓએસડી વિનોદ રાવની ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં પીરસાતા જ્યુસની રકમનો ૧૫ દિવસમાં જ આંકડો રપ હજારે પહોંચ્યો છે જેમાં તા.૧૫-૧૦-૨૦થી લઈ તા.૩૧-૧૦-૨૦ સુધીમાં જ રૂા.૨૨,૩૦૦ છે, તો માર્ચ મહિનાથી ઓએસડી તરીકે આવ્યા બાદ યોજાયેલી સંખ્યાબંધ મિટિંગોનો આંકડો લાખોમાં જઈ શકે છે એવી ચર્ચા પાલિકા લૉબીમાં ચાલી રહી છે.