અમદાવાદ, કુતિયાણા બેઠકના એનસીપીના ધારાસભ્ય, અને બાહુબલિ નેતા તરીકે ઓળખાતા કાંધલ જાડેજાને કોર્ટે પોલીસ જાપ્તામાંથી ભાગી જવાના કેસમાં દોઢ વર્ષની સજા અને ૧૦ હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે. ૨૦૦૭ના આ કેસમાં પોલીસને થાપ આપી કાંધલ જાડેજા શિવાની હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે ૨૦૦૯માં તેમની ફરી ધરપકડ કરી હતી. આ કેસમાં હોસ્પિટલના સ્ટાફ, ડૉક્ટર તેમજ પોલીસ સહિત કુલ ૧૪ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. જાેકે, કોર્ટે કાંધલ સિવાયના તમામ આરોપીઓને નિર્દોષ છોડી દીધા છે. એક મર્ડર કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા કાંધલ જાડેજાને ૨૦૦૭માં રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી શિવાની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓ પોલીસને ખો આપીને ફરાર થઈ ગયા હતા. આખરે ૨૦૦૯માં પોલીસને મહારાષ્ટ્રથી કાંધલ જાડેજાની ધરપડ કરવામાં સફળતા મળી હતી. આ મામલે હોસ્પિટલના ડૉ. તુષાર શાહ તેમજ ડૉ. સુનિલ પોપટ ઉપરાંત જેલના ડૉ. અમૃતલાલ પરમાર અને ચાર પોલીસ ગાર્ડ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જાેકે, તમામને કોર્ટે શંકાનો લાભ આપીને છોડી મૂક્યા હતા. કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયા બાદ કાંધલ જાડેજાનું ધારાસભ્ય પદ પણ જાેખમમાં આવી શકે છે. જાેકે, તેમની પાસે નીચલી કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવાનો વિકલ્પ ખૂલ્લો છે. ઉપલી કોર્ટ સજા પર સ્ટે આપે તો તેમનું ધારાસભ્ય પદ બચી શકે છે. પોરબંદરના ગોડમધર તરીકે ઓળખાતા સંતોકબેન જાડેજાના ચાર સંતાનોમાંના એક કાંધલ જાડેજા પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયા બાદ ૨૦૦૯માં મહારાષ્ટ્રથી ફરી પકડાયા ત્યારે તેમના પર ૨૨ જેટલા ગુના નોંધાયેલા હતા.