વડોદરા : કરજણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મંગળવારના રોજ કરજણ શિનોર અને વડોદરા ગ્રામ્ય તાલુકાઓમાં આવેલા ૩૧૧ મતદાન મથકો ખાતે કોવિડ સામે સુરક્ષાની તકેદારીઓ સાથે મતદાન કરાવવામાં આવશે. આ બેઠક માટે ૯ હરીફો વચ્ચે સ્પર્ધા છે. મતપત્રક પર ૧૦મું ખાનું નોટાનું રહેશે. આ વિધાનસભા ક્ષેત્રમાં ૨.૦૪ લાખ મતદારો ૯ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કરશે. મતદાનનો સમય સવારે ૭ થી સાંજે ૬ સુધી રાખવામાં આવ્યો છે. આજે વહેલી સવારથી વિતરણ કેન્દ્ર ખાતે મતદાન ટુકડીઓને મતદાન યંત્રો સહિત જરૂરી સામગ્રીનું કૉવિડ સુરક્ષાના નિયમો પાળીને વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ તેનું નિરીક્ષણ કર્યુ હતું. મતદાન ટુકડીઓને મતદાન મથકે ઉપયોગમાં લેવા માટે વિશેષ કોવિડ કિટ આપવામાં આવી છે. મતદાન કર્મચારીઓ ફેસ શિલ્ડ અને માસ્ક અને બંને હાથે રબરના મોજાં પહેરીને મતદાન કરાવશે અને સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરશે. આ તમામ સામગ્રી આપવામાં આવી છે. 

દરેક મતદાર માસ્ક પહેરીને મતદાન કરવા આવે તે જરૂરી છે. મતદાન મથકે આરોગ્યની ટુકડી રહેશે જે મતદારોનું ટેમ્પ્રેચર, ઓક્સિજન લેવલ માપશે, હાથ સેનિટાઈઝ કરાવાશે અને જમણા હાથે પહેરવા માટે હાથ મોજાં અપાશે. મતદારો વચ્ચે કતારમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની કાળજી લેશે.

કોવિડ તકેદારીના ભાગરૂપે આજે ૩૧ રૂટ ઉપર બે તબક્કામાં મતદાન ટુકડીઓને રવાના કરવામાં આવી હતી. ખાસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીએ ઔદ્યોગિક એકમો અને વાણિજ્ય સંસ્થાઓને મતદાન માટે કામદારો અને કર્મયોગીઓને સવેતન રજા આપવાના નિયમનું સંબંધિત તમામને પાલન કરવા ખાસ અનુરોધ કર્યો છે.

૨૨૩૪ દિવ્યાંગ મતદારોને મતદાન માટે વિશેષ વ્યવસ્થા

વડોદરા ઃ કરજણ વિધાનસભા મતદાર વિસ્તારમાં આશરે ૨૨૩૪ જેટલા વિકલાંગ વ્યક્તિઓ નોંધાયેલ છે. જે પૈકી અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતા ૬૦૮, પ્રજ્ઞાચક્ષુ ૬૯૮, બોલચાલ અને શ્રવણ મંદતા ધરાવતા ૪૫૮ તથા અન્ય વિકલાંગતા ધરાવતા ૪૭૦ વિકલાંગ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જે પૈકી ૧૧૫૬ પૂરૂષ અને ૧૦૩૯ મહિલા દિવ્યાંગ વ્યક્તિઓ રહેલ છે. જે પૈકી અસ્થિવિષયક એટલે કે હલન ચલન સંબધિત વિકલાંગતા હોય તેવા દિવ્યાંગ મતદારોની કુલ સંખ્યા મુજબ કુલ-૩૭ મતદાન મથક પર વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે.વિકલાંગ મતદારો સરળતાથી મતદાન મથક પર પહોંચી શકે તે મ જેટલા ગામોમાં ૦૮ જેટલા વાહનો દ્વારા મતદાન વિસ્તારમાં સતત ફરતા રહી વિકલાંગ વ્યક્તિઓને સરળતાથી મતદાન મથક સુધી પહોચાડવામાં આવનાર છે.

મતાધિકાર ધરાવતા મતદારોને મતદાન માટે સવેતન રજા આપવા સૂચના

વડોદરા ઃ કરજણ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ માટે તા.૩ નવેમ્બર-૨૦૨૦ને મંગળવારના રોજ મતદાન થનાર છે. મતદાનના દિવસે જાહેર રજા આપવા અંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ હુકમ કર્યો છે.મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાનના દિવસે રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વટાઉખત અધિનિયમ-૧૮૮૧ હેઠળ વિધનસભા મતવિભાગમાં સમાવિષ્ટ વિસ્તારમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે. ચૂંટણીમાં મત આપવાનો મતાધિકાર હોય તેવી કોઇપણ વ્યક્તિઓને પોતાના વ્યાપાર, ધંધા, ઔદ્યોગિક એકમો અથવા અન્ય કોઇપણ સંસ્થામાં નોકરી કરતા હોય તેમને મતદાન માટે મતદાનના દિવસે રજા મંજૂર કરવી. જોગવાઇ અન્વયે રજા મંજૂર કરવામાં આવી હોય તેવી કોઇપણ વ્યક્તિના વેતનમાંથી કોઇ કપાત કે સુધારો કરવો નહિ. વ્યક્તિ સામાન્ય રીતે વેતન નહિ મેળવે તેવા આધારે નોકરી પર રાખવા વ્યક્તિ રજા ન હોય તો તે દિવસે તેને જે વેતન મળવાપાત્ર હોય તેટલું વેતન મંજૂર કરવાનું રહેશે. નોકરી પર રાખનારાઓ આ જોગવાઇઓનું ઉલ્લંઘન કરશે તો તે દંડને પાત્ર થશે.