અંજાર-

અંજારના વિજયનગરમાં રહેતા વેપારીની દીકરી સાંજના અરસામાં કોમ્પ્યૂટર ક્લાસેથી ઘેર પરત ફરી રહી હતી, ત્યારે કારમાં આવેલા અજાણ્યા ઈસમોએ યુવતીને કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા અને યુવતીના પિતા પાસેથી 10 કરોડની ખંડણીની માગણી કરતા સનસનાટી મચી ગઈ હતી. ચર્ચાસ્પદ બનાવની જાણ થતાં પોલીસે જુદીજુદી ટીમો બનાવી ઠેરઠેર નાકાબંધી કરી નાખી હતી, જેથી ચારેય દિશાએથી ઘેરાયેલા અપહરણકારોએ યુવતીને ભુજમાં મૂકી પલાયન થઈ ગયા હતા. આમ, ગણતરીના કલાકોમાં યુવતીને મુક્ત કરાવી કાયદાના રક્ષકોના હાથ લાંબા હોવાનો પોલીસે અહેસાસ કરાવ્યો હતો. અંજાર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત શુક્રવારના સાંજના છ વાગ્યાના અરસામા આ ચકચારી બનાવ બન્યો હતો. વિજયનગર વિસ્તારમાં રહેતા અને કસ્ટમ ચોક પાસે કટલેરી, સ્ટેશનરીની દુકાન ધરાવતા વેપારીની ર૦ વર્ષીય પુત્રી ગત શુક્રવારના સાંજના અરસામાં કોમ્પ્યૂટર ક્લાસમાં ગઈ હતી.

જ્યાંથી તે પરત ફરી રહી હતી. ત્યારે કારમાં અજાણ્યા ઈસમો તેની પાસે ધસી ગયા હતા. અજ્ઞાત શખસોએ યુવતીને બળજબરી પૂર્વક કારમાં બેસાડી તેણીનું અપહરણ કરી ગયા હતા. ત્યારબાદ યુવતીના પિતાને ફોન કરીને રૂપિયા 10 કરોડની ખંડણી માગી હતી. પુત્રીનું અપહરણ થયાની જાણ થતાં જ પિતાએ અંજાર પોલીસનો સંપર્ક કર્યો હતો, જેથી અંજાર પોલીસ, એલસીબી સહિતની ટીમો હરકતમાં આવી ગઈ હતી અને યુવતીને શોધવા કવાયત આદરી હતી.

પોલીસ દ્વારા સામખિયાળી, આડેસર સહિતના વિસ્તારોમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી અને સઘન સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી તપાસ કરતાં યુવતીનું લોકેશન ગાંધીધામ આવ્યું હતું, તેવામાં આરોપી ચારેય તરફથી ઘેરાઈ જતાં આખરે યુવતીને ભુજના હિલગાર્ડન પાસે મૂકી અપહરણકારો પલાયન થઈ ગયા હતા. આમ કાયદાના રક્ષકોની જુદીજુદી ટીમોએ રાતભર સર્ચ ઓપરેશન હાથ ધરી ટીમવર્કથી આરોપીઓની ચુંગાલમાંથી યુવતીને મુક્ત કરાવી હતી અને પરિવારજનોને સોંપી હતી, જેને પગલે સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.