25, ડિસેમ્બર 2024
અસ્મિતા માવાપુરી |
બાળપણમાં બધાએ ભક્ત સુદામા અને શ્રી કૃષ્ણના મિલાપના પ્રસંગને વણી લેતા કવિ પ્રેમાનંદના ‘સુદામા ચરિત્ર’ને વાંચ્યુ હશે અને કોઈ કોઈ તો એવા પણ હશે જેમણે આ આખ્યાનને ગાતા માણભટ્ટને સાંભળ્યા હશે. ‘તને સાંભરે રે...’ અને ‘મને કેમ વિસરે રે...’ જેવા લયબદ્ધ ગાનમાં શ્રી કૃષ્ણ અને સુદામાની ગોઠડીને કવિ પ્રેમાનંદે ખુબ સુંદર રીતે આખ્યાનમાં વણી લીધી છે.
ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો હતો. તેની માતાનું નામ દેવકી અને પિતાનું નામ વસુદેવ હતું. તેનો મામો કંસ ખૂબ જ દુરાચારી હતો. તેને ખબર હતી કે તેની બહેનનું સંતાન જ તેનો કાળ બનશે, તેની હત્યા કરશે. એટલે તેને પોતાની બહેન અને બનેવીને જેલમાં પૂરી દીધા હતા. દેવકીના જેટલા સંતાન જન્મ લેતા હતા તે બધાને મામો કંસ મારી નાખતો હતો. પરંતુ જ્યારે શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે, પિતા વસુદેવ તેમને વરસતા વરસાદમાં એક છાબડીમાં સુવડાવીને પોતાના મિત્ર નંદના ઘરે ગોકુળ મૂકી આવ્યા હતા. ત્યારથી શ્રી કૃષ્ણ નંદ અને યશોદાના દીકરા તરીકે ઓળખવા લાગ્યા.
શ્રી કૃષ્ણને લોકો પ્રેમથી કનૈયો કહેતા હતા. માતા યશોદા તેને ખૂબ જ પ્રેમ કરતી. તે માતાનો ખૂબ જ વ્હાલો હતો. કનૈયો બાળપણમાં ભારે નટખટ અને તોફાની હતો. ગોપીઓના ઘરોમાંથી માખણ ચોરીને પોતે પણ ખાતો અને મિત્રોને પણ ખવડાવતો હતો. તેથી તેનું નામ ‘માખણ ચોર’ પાડવામાં આવ્યું હતું. માતા યશોદાને તો આ વિશેની ફરિયાદો રોજ સાંભળવી પડતી હતી.
શ્રી કૃષ્ણ યાદવકુળમાં જન્મ્યા હતા. તેઓ અવતારી પુરુષ તરીકે પણ ઓળખાય છે. ભગવાન વિષ્ણુના તે પૂર્ણ અવતાર હતા અને પુરુષોત્તમરૂપે જન્મ્યા હતા.
મામા કંસનો વધ કર્યા બાદ તેમણે ગોકુળ છોડી દીધું હતું. અને મથુરાના રાજા બન્યા હતા. તેમણે પછી સૌરાષ્ટ્રમાં સાગર કિનારે દ્વારિકા નગરી વસાવી હતી. ત્યાં યાદવોનું રાજ્ય સ્થાપ્યું અને લોકો તેમને દ્વારકેશ તરીકે પૂજતા હતા.
શ્રી કૃષ્ણ સાંદિપની ઋષિના આશ્રમમાં ભાળપણમાં ભણતા હતા ત્યારે તેમના બ્રાહ્મણ મિત્ર સુદામા સાથે અત્યંત ગાઢ મિત્રતા હતા. પછી તો વિદ્યાભ્યાસ પુરો થયા બાદ બંને છુટા પડી ગયા. સુદામા ખુબ જ્ઞાની અને વિદ્વાન હતા. પરંતુ તેમણે અયાચક વ્રત લીધુ હતુ. અટલે કે કોઈની પાસે ધન કે અન્ય કોઈ ભીક્ષા માંગવી નહીં. પરંતુ આવું વ્રત હોય તો જીવનગુજરાન ચલાવવા માટે શું કરવું, એ બહુ મોટો પ્રશ્ન હતો. તેમની પત્નીની ચિંતાનો પાર નહતો.
કવિ પ્રેમાનંદે કાવ્યાત્મક શૈલિમાં પત્ની સુદામાને વિનવણી કરે છે તેનું સુંદર વર્ણન કર્યુ છે, તે કહે છે,“ એ જ્ઞાન મને ગમતુ નથી, ઋષિરાયજી રે, રૂએ બાળક માંગે અન્ન, લાગુ પાય જી રે.”
સુદામાની પત્નીએ તેમને વિનંતી કરી કે શ્રી કૃષ્ણ તો તમારા બાળગોઠીયા છે. તેમની પાસે જાવ. તે આપણી દરિદ્રતા દુર કરશે. શ્રી કૃષ્ણને આ ગરીબ બ્રાહ્મણ બીજુ તો શું ભેટ આપે? તેમની પત્નીએ તાંદુલ એટલે કે ચોખાની પોટલી બાંઘીને આપી કે આ તમારા મિત્ર શ્રી કૃષ્ણને આપજાે.
દ્વારિકા નગરીમાં સુદામા આવી પહોંચ્યા. પોતે એકદમ ચીંથરેહાલ વસ્ત્રો ધારણ કરેલ હતા. તેમને આવી સ્થિતિમાં જાેઈ દ્વારપાળે તેમને દ્વાર પર જ અટકાવી દીધા હતા. પરંતુ સુદામાની ઘણી વિનવણી પછી દ્વારપાળે મહેલમાં ખબર આપી કે સુદામા આવ્યા છે. સુદામા નામ કાને પડતા જ શ્રી કૃષ્ણ તો મોજડી પહેરવાનું પણ ભૂલી ગયા અને દોડતા મિત્ર પાસે પહોંચ્યા. બંને મિત્રો ભેટી પડ્યા. અને પોતાના આંસુ રોકી ના શક્યા.
બંને મિત્રો સાંદિપની ઋષિના આશ્રમમાં સાથે અભ્યાસ કરતા હતા. કૃષ્ણએ, સુદામાનું ભાવભીનું સ્વાગત કર્યું. પ્રેમથી જમાડ્યા. સુદામાને આશા હતી કે મિત્ર તેમને કંઈક મદદ કરશે. પરંતુ તેવું બન્યું નહી. બલ્કે સુદામા પાસેથી તાંદુલની પોટલી લઈને બધા જ તાંદુલ ખાઈ ગયા. સુદામાની નિરાશાનો પાર નહતો. અયાટક વ્રતના કારણે તે માંગી તો શકતા નહતા. અને શ્રી કૃષ્ણએ તો કાંઈ જ આપ્યા વિના વિદાય કરી દીધા, એમ વિચારતા વિચારતા સુદામા પાછા પોતાના ગામ પોરબંદરમાં આવ્યા.
ત્યાં તેઓ પોતાની ઝૂંપડી શોધવા લાગ્યા. પરંતુ ત્યાં તો ઝૂંપડીના બદલે મહેલ બની ગયો હતો! પોતાની પત્નીને મહેલમાંથી બહાર આવતી જાેઈને તેને પણ તેઓ ઓળખી શક્યા નહીં! તેમને તો પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. પરંતુ તેઓ મનોમન સમજી ગયા હતા કે આ મારા વ્હાલા દ્વારકાધિશની જ કૃપા છે. તેઓ મનોમન પોતાના મિત્રોનો ખૂબ જ આભાર માનવા લાગ્યા હતા.
આવા હતા શ્રી કૃષ્ણ, જે પોતાના મિત્રની વાત વગર કહ્યે સમજી ગયા હતા. બાકી આજના જમાનામાં તો લોકો બીજાની તકલીફ જાણતા હોવા છતાં પણ મદદ કરતા નથી.