જામનગર, જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં આવતા ગોરધનપર ગામ નજીક આવેલી ગ્રીનવિલા સોસાયટીમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ ન મળી રહી હોઇ મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. જેના પગલે આજે રાજકીય નેતાઓમાં દોડધામ મચી હતી. જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં આવતા ગોરધનપર ગામ નજીક ગ્રીનવિલા સોસાયટી આવેલી છે. જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલી આ સોસાયટી નજીક લોકોએ ડીવાઈડર બનાવવાની માગ કરી છે. આ ઉપરાંત પ્રાથમિક સુવિધાનો પણ અભાવ હોવાની રજૂઆત કરવામાં આવી છે. પ્રશ્નનો ઉકેલ ન આવતા આજે સોસાયટીના રહેવાસીઓએ એક બેઠક યોજી મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. જ્યાં સુધી પ્રશ્નો નહીં ઉકેલાય ત્યાં સુધી મત પણ નહીં તેવા નારા બોલાવી સૂત્રોચાર કર્યા હતા.

સોસાયટીના લોકો એકઠા થયા ત્યારે રાજકીય ગરમાવો જાેવા મળ્યો અને રાજકીય લોકો સોસાયટીમાં આવી સમજાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રીનવિલા સોસાયટીના લોકોની એક જ માંગ હતી કે પ્રાથમિક સુવિધા આપો નહીં તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમારા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો મત પણ નહીં ના નારા અને સૂત્રોચાર લગાવ્યા હતા.