સ્માર્ટ કાર્ડનો સ્ટોક ખુટતા ૨૫ હજારથી વધુ અરજદારોની લાઈસન્સની કામગીરી અટકી
21, મે 2022

અમદાવાદ લાઈસન્સ માટેના સ્માર્ટ કાર્ડનો સ્ટોક ખૂટી પડતાં અમદાવાદમાં ૨૫ હજાર સહિત રાજ્યમાં ૮૦ હજારથી વધુ અરજદારોના પાકાં લાઈસન્સની કામગીરી અટકી ગઈ છે. હવે ફરી કયારે સ્માર્ટ કાર્ડ મળશે ? તે અંગે આરટીઓના અધિકારીઓ સ્પષ્ટ કહી શકતા નથી. છ મહિના અગાઉ સ્માર્ટ કાર્ડ ખૂટી પડતાં વાહનના પાકાં લાઇસન્સનો બેકલોગ બે લાખથી વધુ પહોંચી ગયો હતો. આ પછી વાહનવ્યવહાર વિભાગે કંપનીનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરતા લોકોને ઝડપથી પાકાં લાઇસન્સ મળવા લાગ્યા હતાં. અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ સહિત ૩૮ આરટીઓ અને એઆરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય છે. પરંતુ પાકાં લાઇસન્સ મળતા નથી. આરટીઓના અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, સ્માર્ટ કાર્ડ કયારે આવશે ? તેની કોઇ જાણકારી નથી. જેના લીધે પાકાં લાઇસન્સનો બેકલોગ વધતો જશે. લાઇસન્સના કાર્ડમાં આવતી ચીપ હાલ આવતી નથી. જેના લીધે સ્માર્ટ કાર્ડ તૈયાર થઇ શકતા નથી. આ પછી કંપનીના અધિકારીએ વાત કરવાનું ટાળ્યું હતું. આખા રાજ્યનો કોન્ટ્રાક્ટ લઇને બેઠેલી કંપનીના અધિકારીએ પૂરતો જવાબ આપવાની પણ તસ્દી લીધી નથી. માત્ર ચીપનું બહાનું કાઢવાનું ચાલું રાખ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution