કાયદો વ્યવસ્થા લથડી રામોલમાં ૨૦૦ મીટરમાં છરીના ઘા મારી બે યુવકની હત્યા
20, મે 2022

અમદાવાદ, રામોલ વિસ્તારમાં એક જ દિવસમાં ૨૦૦ મીટર વિસ્તારમાં બે હત્યાના બનાવ સામે આવતા જ લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. શહેરમાં ઈન્ચાર્જ પોલીસ કમિશનર છે અને શહેરમાં ક્રાઈમ રેટ વધતા ચર્ચાનો વિષય બન્યો છે. જાે કે રામોલમાં બે યુવકોને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. મરનાર અને મારનાર બન્ને નશા કરીને બેફામ બન્યા હતા બાદમાં ખૂની ખેલ ખેલાયો હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

શહેરમાં દિવસે દિવસે ગુનાહિત પ્રવૃતિ વધી રહી છે. શહેરના રામોલ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ન્યુ લક્ષ્મીનગર ખાતે કલ્પેશ સરદભાઇ હેગડે(ઉ.૨૩) રહેતો હતો. ગુરુવારે સવારે આસપાસના લોકો કલ્પેશના ઘરમાં જતાં તે લોહી લુહાણ હાલતમાં પથારી પર પડ્યો હતો. ઘટનાની જાણ રામોલ પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસની પ્રાથમીક તપાસ બાદ જણાવ્યુ હતુ કે, કલ્પેશને શરીર પર છ ઘા છરીના માર્યા હતા અને માથામાં બોથડ પદાર્થ માર્યો હતો. લોહી વધુ વહી જતાં તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સવારે ૯.૩૦ વાગ્યે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં મરનાર કલ્પેસના ઘરની સામેના ૨૦૦ મીટરની ખુલ્લી જગ્યામાંથી બીજા એક યુવકની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં બપોરે ૧૨.૩૦ વાગ્યે ફરી રામોલ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. તપાસ કરતા રણજીતભાઇ નામના યુપીના યુવકની હત્યા કરવામાં આવી હતી. તેને પણ ૧૭ જેટલા છરીના ઉપરા છાપરી ઘા મારવામાં આવ્યા હતા. તેને પણ ગંભીર ઇજાઓ અને લોહી વહી જવાના કારણે તેનું પણ મોત નિપજ્યું હતુ. બંને યુવકોને છરીના ઘા મારવામાં આવ્યા હતા આસાપાસના લોકોની પુછપરછ કરતા બહાર આવ્યું હતુ કે, બંનેની હત્યા અશ્વિન વિજય નામના યુવકે કરી હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. બંનેને છરીના જ ઘા માર્યા હતા.

નશીલા પદાર્થનું વેચાણ ન કરવું તે માત્ર કાગળ પર

શહેરમાં નશા યુક્ત તમામ વસ્તુઓ મળતી હોવાનું નકારી શકાય તેમ નથી. ગૃહવિભાગ અને રાજ્ય પોલીસ સહિત શહેર પોલીસ મોટી મોટી બડાઇઓ મારે કે રાજ્ય સહિત શહેરમાં નશાની વસ્તુઓ મળતી નથી પરંતુ તે ફક્ત કાગળ પરની વાતો છે. કેમકે, રામોલમાં થયેલી બે-બે હત્યાઓ તેનું પરિણામ છે. મરનાર અને મારનાર નશો કરવાની આદત ધરાવતા હતા અને સાથે બેસી જ નશો કરતા હતા. દરમિયાનમા ઝઘડો થતો અને નશાની હાલતમાં જ એક નહી પણ બે હત્યા કરી નાખી હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution