સુરત-

શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતા ઝબલ સુરતી નામક બિલ્ડરે 192 કિલો વજન ધરાવતા બકરાની ખરીદી કરી છે. ઈદની ઉજવણી માટે કુરબાની આપવા માટે બિલ્ડરે 46 ઈંચ ઉંચાઈ ધરાવતા 'તૈમુર' નામક બકરાની ખરીદી અધધ 11 લાખમાં કરી છે. સુરતમાં કદાચ આ પ્રથમ કિસ્સો હશે કે જેમાં કોઈ વ્યક્તિએ મસમોટી કિંમતમાં બકરાની ખરીદી કરી હશે. 'તૈમુર'ના માલિક ઝબલ સુરતીએ જણાવ્યું હતું કે, તૈમુરને રોજ 4 લીટર દૂધ પીવડાવવામાં આવે છે અને રોજ એક કલાક તેની માલિશ કરવામાં આવે છે. ખોરાકમાં કાજુ, બદામ સહિત આયુર્વેદિક ઔષધિઓ, લીલો ચારો અને મુરબ્બા આપવામાં આવે છે. તેમણે આ બકરો 8 મહિના પહેલા સુરતના એક સ્થાનિક વેપારી પાસેથી ખરીદ્યો હતો. ખરીદતી વખતે તેનું વજન 140 કિલો હતું, જે હાલમાં વધીને 192 કિલો થયું છે. આ સિવાય તેમની પાસે અન્ય 20 બકરાઓ છે. જેમની તેઓ ઈદના દિવસે કુરબાની આપશે અને ઈદની ઉજવણી કરશે. થોડા દિવસોમાં જ બકરી ઈદ આવી રહી છે. જેની ઉજવણી માટે મુસ્લિમ બિરાદરોમાં ઘણો ઉત્સાહ થઈ રહ્યો છે. ગુજરાતભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા વિવિધ જાતિના બકરા ખરીદવામાં આવે છે. તેમાં પણ સુરતના એક બિલ્ડરે 11 લાખમાં પંજાબી બકરો 'તૈમુર' ખરીદ્યો છે. 192 કિલો વજન ધરાવતા 'તૈમુર'ને રોજ 4 લીટર દૂધ પીવડાવવામાં આવે છે અને ભોજનમાં કાજુ બદામ અને આયુર્વેદિક ઔષધિઓ પણ આપવામાં આવે છે.