દિલ્હી-

દેશની સૌથી મોટી વીમા કંપની LIC ના IPO પહેલા વિદેશી રોકાણની મંજૂરી મળી શકે છે. જોકે વિદેશી રોકાણકારોમાં ચીનના પ્રવેશ પર રોક લગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ દાવો ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલમાં કરવામાં આવ્યો છે. રોઇટર્સે સૂત્રોને ટાંકીને કહ્યું છે કે ભારત સરકાર ચીની રોકાણકારોને જીવન વીમા નિગમ (LIC) માં શેર ખરીદતા અટકાવવા માંગે છે.

રિપોર્ટ અનુસાર એલઆઈસી જેવી કંપનીઓમાં ચીનનું રોકાણ જોખમ ઉભું કરી શકે છે. આ જ કારણ છે કે સરકાર ચીની રોકાણ રોકવા માટે મંથન કરી રહી છે, જોકે અંતિમ ર્નિણય હજુ લેવામાં આવ્યો નથી. રિપોર્ટ અનુસાર ગલવાન ખીણમાં ગત વર્ષે સરહદી વિવાદ બાદ વ્યાપારની સ્થિતિ પહેલા જેવી રહી નથી. સરકાર ચીનથી આયાત થતા ઉત્પાદનો પર સતત એન્ટી ડમ્પિંગ ચાર્જ લગાવી રહી છે. તે જ સમયે ટિકટોક સહિત ઘણી લોકપ્રિય એપ્લિકેશન્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

૧ લાખ કરોડ સુધી એકત્ર કરવાની યોજનાઃ 

જો કે, ભારત સરકારના નાણાં મંત્રાલય અને એલઆઇસી તરફથી રોઇટર્સના તાજેતરના સમાચારો પર કોઇ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી. તે જ સમયે વિદેશ મંત્રાલય અને ચીનના વાણિજ્ય મંત્રાલયે પણ અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. તમને જણાવી દઈએ કે સરકાર આ નાણાકીય વર્ષના અંત સુધીમાં LIC નો આઇપીઓ લાવશે. આ આઈપીઓ દ્વારા સરકાર ૫% થી ૧૦% હિસ્સો વેચીને આશરે ૧ લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની આશા રાખી રહી છે. આ સાથે એલઆઈસી શેરબજારમાં સૂચિબદ્ધ થશે.

એલઆઈસી માટે શું નિયમો છેઃ

વર્તમાન એફડીઆઈ નીતિ અનુસાર 'ઓટોમેટિક રૂટ' હેઠળ વીમા ક્ષેત્રમાં ૭૪ ટકા વિદેશી રોકાણની મંજૂરી છે. જોકે આ નિયમો ભારતીય જીવન વીમા નિગમ (LIC) ને લાગુ પડતા નથી. હાલના નિયમ હેઠળ કોઈ પણ વિદેશી રોકાણકાર LIC માં રોકાણ કરી શકે નહીં.

જો કે, સરકાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોને LIC ની ઓફરનો ૨૦% સુધી ખરીદવાની મંજૂરી આપવા પર વિચાર કરી રહી છે. જો આવું થાય તો વિદેશી રોકાણકાર દેશની સૌથી મોટી વીમા કંપની LIC માં મોટો હિસ્સો ખરીદી શકે છે. સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે સરકારે હજી સુધી નક્કી નથી કર્યું કે તે સમગ્ર રકમ એકત્ર કરવા માટે શેરની એક કિંચ વેચશે કે બે ભાગમાં વેચશે.