નડિયાદ

યાત્રાધામ ડાકોરને જોડતો મહુધા રોડ બને હજી ૬ મહિના પણ પૂરા થયા નથી,ત્યાં પ્રથમ વરસાદમાં જ રોડની હાલત ભંગાર થઈ જવા પામી છે.જવાબદાર આર ઍન્ડ બી ના અધિકારીઓ જે તે એજન્સી ને કામ આપ્યા બાદ તેમની સાથે સાંઠગાંઠ કરતા હોવાને કારણે એજન્સી દ્વારા રોડનાં કામમાં ભારે વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.


ડાકોર ગાયોનાં વાડાથી મહુધા તરફનાં માર્ગે સામાન્ય વરસાદ થતાં જ રસ્તાની પોલ ખુલી જવા પામી છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલા રોડની કફોડી હાલત જોઈને જવાબદાર તંત્ર અને એજન્સી વચ્ચે સારો તાલમેલ હોવાનું સાબિત થઈ રહ્યું છે. હલકી ગુણવત્તા નું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાને કારણે ટૂંકાગાળા માં રોડ ઉપર નો ડામર ઉખડી ને મસમોટા ખાડા થઈ જવા પામ્યા છે,જેને પગલે દ્વી ચક્રી વાહનો, કાર જેવા વાહનચાલકો ને અકસ્માત નો ભય સતાવી રહ્યો છે તેમજ ભારે વાહનો ઉખડી ગયેલા રોડ ને કારણે ફસાઈ જવાના બનાવો બની રહ્યા છે.

ડાકોરથી મહુધા વચ્ચે બનેલા રોડનું સત્વરે સમારકામ કરી ને દુરસ્ત કરવામાં આવશે કે પછી ગેરંટી સમય પૂરો થાય ત્યાં સુધી વાહન ચાલકો ને ઉબડ ખાબડ રોડ ઉપર જ પસાર થવું પડશે તે બાબત માર્ગ મકાન વિભાગના જવાબદારો જ નક્કી કરશે તેમ જોવા મળી રહ્યું છે.સામાન્ય વરસાદ માં ધોવાઈ ગયેલા રોડની હાલત વધુ ભારે વરસાદ માં કેવી થાય છે તે જોવું રહ્યું !