24, ડિસેમ્બર 2020
દેવગઢબારિયા, લીમખેડામાં મોટા હાથીધરા ગામે હડપ નદીના કિનારે આવેલા ઐતિહાસિક હસ્તેશ્વર મહાદેવ મંદિરના મહંત નારાયણપુરી મહારાજ નાગાબાબા ૧૧૦ વર્ષની જૈફ વયે બુધવારે ૩.૩૦ કલાકના સુમારે બ્રહ્મલીન થયા હતા. સેવા અને સાદગીના બીજા સ્વરૂપ જેવા આ મહામાનવને અનંતની યાત્રા તરફ પ્રયાણ કરતા મહંતના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો અને મહંતો મોટા હાથીધરા ખાતે હસ્તેશ્વર મંદિરના પરિસરમાં ઉમટી પડ્યા હતા. લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે હડપ નદી ના કિનારે આવેલા ઐતિહાસિક હસ્તે શ્વર મહાદેવ મંદિરના મહંત નારાયણપુરી મહારાજે સેવા પૂજા સાથે સેવાકીય પ્રવૃત્તિની ધૂણી ધખાવી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. મૂળ બિહારના સીતાપુરના વતની નારાયણપુરી મહારાજે અઢાર વર્ષની વયે સન્યાસ લીધો હતો. તેઓ ૧૯૫૦ના વર્ષમાં ગુજરાત આવ્યા હતા. ૧૯૮૩ના વર્ષમાં હસ્તે શ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં મોરારિબાપુએ રામકથા કરી હતી. તે સમયથી આજદિન સુધી ૩૭ વર્ષથી મહંતે અન્નનો ત્યાગ કર્યો હતો ત્યારથી તે માત્ર ફળ ફ્રૂટ ઉપર જ જીવન નિર્વાહ કરતા હતા. ઉંમરના કારણે તેઓની તબીયત છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયત રહેતી હતી. મહંતે છેલ્લા ચારેક દિવસથી ફળ અને દૂધનો ત્યાગ કર્યો હતો. મહંતના બ્રહ્મલીન થયાના સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં ભક્તો અને સંતો મહંતો મંદિર પરિસરમાં આવી પહોંચ્યા હતા. બ્રહ્મલીન નારાયણ પુરી મહારાજને આવતીકાલે ગુરુવારના રોજ પાલખી દ્વારા નગરમાં રાજમાર્ગો ઉપર અંતિમયાત્રા કાઢવામાં આવશે. ત્યારબાદ મંદિર પરિસરમાં જ અંતિમવિધિ કરવામાં આવનાર છે.