27, એપ્રીલ 2025
અમદાવાદ, ઓએનજીસીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી અપાવવા માટે બનાવટી લેટર બનાવી લોકો પાસેથી ૨૫ લાખ મેળવી છેતરપિંડી કરનાર ઠગની ધરપકડ કરવામાં આવી છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા પ્રજાપતિ વાસમાં રહેતા ગૌતમ સોલંકી નામના યુવકે ઓએનજીસીના વેલ ઉપર કોન્ટ્રાક્ટ પર લોકોને નોકરીએ રાખવા માટે પૈસા લીધા હતા. ત્યારબાદ તમામને બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર અને આઈકાર્ડ આપી દીધા હતા. લોકોને ઓએનજીસીમાં નોકરી અપાવવાનું કહીને ટ્રેનિંગ માટે અંદર પણ લઈ જતો હતો. સમગ્ર મામલે ઓએનજીસીના સિક્યુરિટી ચાર્જને જાણ થતા તેઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને સમગ્ર બાબત સામે આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને ઓએનજીસીમાં સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા સહદેવસિંહ ઝાલાને તેમના ઉપરી અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, ઓએનજીસીના કલોલ વિભાગમાં કુવા ઉપર કેટલાક નકલી અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. જેથી તેમની ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી તો કુવા ઉપર પસાર થતા વાહનો અને સાધનોના ફોટા પાડવામાં આવતા હતા. જે બાબતે તપાસ કરતા કિરણ પરમાર નામનો સુપરવાઇઝર કુવા ઉપર જતા માણસોની હાજરી પૂરતો અને ઝુંડાલ સર્કલ ઉપર બધા માણસો ભેગા કરતો હતો. સહદેવ સિંહ અને તેમની ટીમ ઝુંડાલ સર્કલ ખાતે પહોંચી ત્યારે કિરણ પરમાર નામનો યુવક મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતા પોતે ઓએનજીસીમાં નોકરી કરે છે જેથી તપાસ કરતા તેની પાસે ત્યાં હાજર અલગ અલગ વ્યક્તિઓના આઈકાર્ડ અને તેમના એપોઈન્ટમેન્ટ લેટર વગેરે જાેવા મળ્યું હતું. ત્યારબાદ કિરણ પરમારને પૂછતા ગૌતમ સોલંકીએ તેમને આ ડોક્યુમેન્ટ આપ્યા હતા જેથી તેના મોબાઈલ ઉપર ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો નહોતો. ત્યારબાદ તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, ગૌતમ સોલંકી ઓએનજીસીમાં ફાઇનાન્સ વિભાગમાં નોકરી કરે છે. નોકરી અપાવવાના બહાને પૈસા મેળવી અને પ્રતિબંધિત જગ્યા પરના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને છેતરપિંડી કરી હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચમાં આ મામલે ફરિયાદ નોંધાવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે સામે આવ્યું કે, ૫૦ જેટલા યુવકો સાથે કોન્ટ્રાક્ટ પર નોકરીના બહાને અલગ અલગ ફી પેટે ૨૫ લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપી ગૌતમ સોલંકીએ નોકરી માટેની જાહેરાત પણ બહાર પાડી હતી. જે લોકો આવ્યા તેમના ખોટા ઇન્ટરવ્યુ પણ લીધા અને એક મહિનાની તાલીમ પણ આપતો હતો. આરોપી યુવાનોને તાલીમ આપવા માટે ઓએનજીસીના તેલના કુવે લઈ જતો હતો અને ત્યાં જઈને ફોટા પાડીને અન્ય લોકોને તે ફોટા બતાવતો હતો. આરોપીએ નકલી સિક્કા વાળો એપોઇન્ટમેન્ટ લેટર પણ આપી દીધો હતો. એટલું જ નહીં યુવકોના નકલી આઈકાર્ડ પણ બનાવ્યા હતા. કેટલાક યુવકો ૮થી ૧૦ દિવસ સુધી તાલીમના બહાને નોકરી પર પણ ગયા હતા. ઓએનજીસીના વિજિલન્સને આ અંગેની જાણ થતા તેમણે તપાસ કરી હતી ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપી ગૌતમ સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.