માંગરોળના ૭ વર્ષથી ગાયબ દીકરો મોહિત મુંબઈથી મળ્યો
25, સપ્ટેમ્બર 2021

જૂનાગઢ, માંગરોળના સુખી સંપન્ન પરિવારનો દીકરો ૨૦૧૪ થી અચાનક ગુમ થયો હતો. ૭ વર્ષના વહાણ વિત્યા બાદ દીકરો મુંબઈથી મળી આવ્યો છે. જૂનાગઢના માંગરોળનો મોહીત મળી આવતા તેના ઘરે હરખની હેલી ઉત્સવ જેવો માહોલ જાેવા મળ્યો છે. મોહિત મળી આવતા પરિવાર દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજી ખુશી મનાવી હતી. પરંતુ મોહિતને પરત ઘરે લાવવામા પોલીસનો મોટો રોલ છે. કાયદા પ્રમાણે પોલીસ તેને મૃત જાહેર કરવાની હતી, પરંતુ તે પહેલા જ ડીવાયએસપી જુગલ પુરોહિતે ૭ વર્ષ બાદ મોહિતને શોધી કાઢ્યો હતો. સમગ્ર કિસ્સા પર નજર કરીએ તો, જૂનાગઢ જિલ્લાના માંગરોળના શેરીયાજ ગામનો યુવાન મોહિત મકવાણા સુરેન્દ્રનગર ખાતે જે.સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ૨૦૧૪ ના વર્ષમાં મોહિત એમ.બી.બી.એસ. અભ્યાસ કરતો હતો અને છેલ્લા સેમેસ્ટરમા ફેલ થયો હતો, નાપાસ થવાની બાબતથી તેને એટલું મનદુઃખ થયું હતું કે, સુરેદ્રનગર છોડીને જતો રહ્યો હતો. ત્યારથી તેનો અતોપત્તો લાગ્યો ન હતો. પરિવારે તેને બહુ જ શોધ્યો હતો, પણ તે ૭ વર્ષમાં ક્યાંય મળ્યો ન હતો. આખરે મોહિત મુંબઈ હોવાના સમાચાર મળ્યા હતા. ૭ વર્ષ બાદ મોહિત મુંબઈથી મળી આવ્યો હતો. મુંબઈના વાગલી ગામના મુસ્લિમ પરિવાર સલીમ શેખે મોહિતને આશરો આપ્યો હતો. મુસ્લિમ પરિવારમાં કોઇ બાળક ના હોવાથી તેમણે મોહિતને દીકરાની જેમ ૭ વર્ષ સુધી સાચવ્યો હતો. ગુમ થયેલ મોહિતના બેંક એકાઉન્ટ અને મોબાઇલ ડિટેલના આધારે ગુજરાત અને મુંબઈ પોલીસની મદદથી તે મળી આવ્યો હતો. જૂનાગઢ એસ.પી.રવિ તેજા વાસમ શેટ્ટી અને માંગરોળના ડીવાયએસપી જેડી પુરોહિતની મહેનત અને માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આકરી મહેનત બાદ મોહિત મુંબઈથી મળી આવ્યો હતો.મોહિત અચાનક ગુમ થતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. મોહિત વગરના ૭ વર્ષ જાણે તેમના માટે ૭૦૦ વર્ષ જેવા વિત્યા હતા. યુવાન ગુમ થતા માતા પિતાએ કોઈપણ તહેવાર ન ઉજવવાની અને ચપ્પલ ના પહેરવાની બાધા લીધી હતી. ત્યારે અચાનક જ દીકરાની ભાળ મળી જતા ઘરે ઉત્સવનો માહોલ સર્જાયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution