અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિ.ના વહીવટીતંત્રમાં દિવા તળે અંધારા જેવી પરિસ્થિતિ જાેવા મળી રહી છે.ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના પચાસથી પણ વધુ વાહન સર્વિસ કે પેમેન્ટ ના થવાના કારણસર બંધ હાલતમાં પડેલા છે.હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ હોલવવા ઉપયોગમાં લેવાતા ટર્ન ટેબલ લેડરનું ટાયર બદલવા ટાયર પણ વિભાગને મળતુ નથી.ફાયર વિભાગમાં ટેકનિકલ સ્ટાફ ના હોવાના કારણે વાહનોની સામાન્ય મરામત કરી કામ ચલાવાઈ રહ્યું છે.વર્ષ-૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ બાદ અમદાવાદ ફાયર વિભાગે કરેલી કામગીરીની દુનિયાના દેશોમાં પણ નોંધ લેવામાં આવી હતી.હાલની પરિસ્થિતિમાં ફાયર વિભાગમાં એમબ્યુલન્સ ઉપરાંત શબ વાહિની તથા ફાઈટર સહિતના અનેક વાહનોની ઘણાં વર્ષોથી સર્વિસ થઈ શકી નથી.વિભાગમાં જે તે સમયે માન,વોલ્વો,પેન્થર,મર્સીડીઝ ઉપરાંત ફોર્સ જેવી કંપનીઓના વાહન લેવામાં આવ્યા હતા.આ કંપનીઓ પૈકી અમુક કંપનીઓ બંધ થઈ ગઈ છે.જે કંપનીઓ ચાલુ છે એ કંપનીઓ દ્વારા જયાં સુધી સર્વિસ,સ્પેરસ્પાર્ટસ અને ઈન્સપેકશન ચાર્જની રકમ એડવાન્સ પેમેન્ટ તરીકે આપવામાં ના આવે ત્યાં સુધી ફાયરના સમારકામ માંગતા વાહનોની સર્વિસ કે મરામત કરવાનો ઈન્કાર કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ ફાયર વિભાગ પાસે હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગે એ સંજાેગોમાં આગ બુઝાવવા માટે ટર્ન ટેબલ લેડરવસાવવામાં આવ્યુ છે.