03, ફેબ્રુઆરી 2022
વડોદરા, તા.૨
વડોદરાના નવાયાર્ડમાં રેલવે ગોડાઉનમાંથી નિયમિત રીતે મીઠું ભરીને નીકળતા ઓવરલોડ વાહનોના કારણે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં આજે આ માર્ગ પર અનેક દ્રિચક્રી વાહનચાલકો ફસડાઈ પડ્યા હતા. પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતાએ રજૂઆત કરતાં કોર્પોરેશન દ્વારા વાહનમાલિકો સામે ફરિયાદ સાથે દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રેલવેનું ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાંથી મીઠું ભરેલી ઓવરલોડ ટ્રક છાણી તરફના માર્ગે જઈ હાઈવે પર નીકળતી હોય છે. અનેક વખત આવી ટ્રક ઓવરલોડ હોય છે, જેથી તેમાં ભરેલ મીઠું માર્ગ પર ઢોળાતું હોય છે. મીઠું રસ્તા પર ઢોળાતાં અનેક વખત અકસ્માતોના બનાવો બને છે, જેને અનુલક્ષીને અગાઉ કોર્પોરેશનના કોંગ્રેસના નેતા અમી રાવત દ્વારા સમગ્ર સભામાં રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં ન હતાં.
દરમિયાન આજે નવાયાર્ડ લોકમાન્ય તિલક નજીક લાલપુરા શાળા પાસેથી ઓવરલોડ ટ્રક પસાર થયા બાદ મીઠું મુખ્ય માર્ગ પર ઢોળાયું હતું અને સવારે ભેજવાળા વાતાવરણ બાદ મીઠું ભીનું થઈ જતાં અહીંથી પસાર થયેલા ૨૦ ાી ૨૫ વાહનચાલકો સ્લીપ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં અમી રાવતે આ અંગે કોર્પોરેશનના અધિકારીનું ધ્યાન દોર્યું હતું અને સફાઈ કરાવી રેતી નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાે કે,અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલે ટ્રકમાલિક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરવા સાથે માર્ગને નુકસાન કરવા અને તેમને નોટિસ આપી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.