દિલ્હી-

વર્ષ 2025 સુધીમાં ભારતમાં હજાર કરતા પણ વધુ બંધ અંદાજે પચાસ વર્ષ કે તેથી પણ વધુ જૂના થઈ જશે અને આવા બંધ વિશ્ર્‌વ સામે જાેખમ વધારી રહ્યા હોવાનું યુનાઈટેડ નેશન (યુએન)ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. વર્ષ 2050 સુધીમાં પૃથ્વી પરના મોટાભાગના લોકો ૨૦મી સદીમાં બાંધવામાં આવેલા આવા હજારો બંધના જાેખમના ભયના ઓથાર હેઠળ હશે, એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

કૅનેડાસ્થિત યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટીની ઈન્સ્ટિટ્યૂટ ફૉર વૉટર, ઍન્વાયરોન્મેન્ટ ઍન્ડ હૅલ્થ દ્વારા ‘ઍજિંગ વૉટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરઃ ઍન ઈર્મ્જિંગ ગ્લૉબલ રિસ્ક’ શીર્ષક હેઠળ તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં જણાવ્યા અનુસાર વિશ્ર્‌વભરમાં આવેલા 58,700 મોટા બંધમાંથી મોટાભાગનું નિર્માણ 1930થી લઈને 1970 વચ્ચે કરવામાં આવ્યું હતું અને તેમની આવરદા અંદાજે પચાસથી 100 વર્ષની છે. પચાસ વર્ષ બાદ આ બંધ નબળા પડવા માંડે છે અને તેનાં સમારકામથી લઈને જાળવણીનો ખર્ચ વધવા માંડે છે. પચાસ વર્ષ બાદ આ બંધની કાર્યક્ષમતા અને અસરકારતા પણ ઘટવા માંડે છે, એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અનેક બંધની આવરદા પૂરી થઈ ગઈ હોવાનું પણ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.