લોકસત્તા વિશેષ : ફેબ્રુઆરીમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં શહેરની જનતાએ ભાજપને ખોબેખોબા મત આપી કોર્પોરેશનમાં શાસન કરવાની વધુ એક વખત જવાબદારી સોંપી છે. આ જવાબદારી અંતર્ગત ભાજપે કોર્પોરેશનમાં વહીવટ કરવા માટે પદાધિકારીઓ તરીકે મેયર કેયુર રોકડીયા, ડે. મેયર નંદા જાેષી અને સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે ડો. હિતેન્દ્ર પટેલને મુક્યા છે. પરંતુ કોર્પોરેશનમાં ભાજપનું શાસન હોવા છતાં જે કોર્પોરેશનની ફરજીયાત ફરજાેમાં આવે છે તેવી આરોગ્યલક્ષી સેવાઓ કોરોના કાળમાં કોર્પોરેશનના બદલે ભાજપ કાર્યાલયથી નક્કી કરવામાં આવે છે. ત્યારે જાે તમામ કામગીરી ભાજપ કાર્યાલયથી કરવાની હોય તો મેયરે કોર્પોરેશનની કચેરીના તાળુ મારી ભાજપ કાર્યાલયને શહેરનો વહીવટ સુપ્રત કરી દેવો જાેઈએ. આ સ્થિતિમાં મેયર સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ સંગઠનની કઠપૂતળી બન્યા હોવાની છાપ ઉભી થઈ રહી છે.

આજે સાંજે શહેર ભાજપ કાર્યાલય ખાતે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં શહેરમાં હોમ આઈસોલેશનમાં સારવાર લેતા કોરોના સંક્રમિત દર્દીઓ માટે ટેલી મેડીસીનની સુવિધા જાહેર કરવામાં આવી હતી. શહેર ભાજપના ડોક્ટર સેલ દ્વારા સંચાલિત આ સુવિધામાં દર્દીઓને કોરોના માટે કઈ દવા કેવી રીતે લેવી તેની સમજ વિના મુલ્યે આપવામાં આવનાર છે. આ સેવા ખરેખર જરૂરી અને ઉત્તમ છે પરંતુ વધુ એક વખત કોર્પોરેશન વહીવટી તંત્ર દ્વારા નક્કર કામગીરીના અભાવે શહેર ભાજપ સંગઠન દ્વારા વધુ એક કોરોના લક્ષી યોજના જાહેર કરી દેવામાં આવી છે.

શહેરના નાગરીકોની આરોગ્યની ચિંતા કરવી અને તેઓને આરોગ્ય લક્ષી તમામ સુવિધા આપવી તે કોર્પોરેશનની ફરજીયાત ફરજનો એક ભાગ છે. પરંતુ છેલ્લા એક મહિનાથી પાલિકા તંત્રને નિષ્ક્રીય કરી શહેર ભાજપ સંગઠન સતત આરોગ્ય લક્ષી સેવાની નવી કામગીરી કરી રહ્યું છે. ત્યારે પાલિકા તંત્ર પોતાની ફરજીયાત ફરજાે નિભાવવામાં સફળ ન રહેતું હોય તો કોર્પોરેશનની કચેરીને તાળા મારી તેનો વહીવટ ભાજપ સંગઠનને સોંપી દેવો જાેઈએ તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે.

ડોક્ટર સેલના ચેરમેન પણ કોર્પોરેટર છે

ભાજપ સંગઠનમાં ડોક્ટર સેલના ચેરમેન ડો. રાજેશ શાહ કોર્પોરેશનમાં કોર્પોરેટર પણ છે. એટલું જ નહીં ગત બોર્ડમાં પણ તેઓ આરોગ્ય સમિતિના ચેરમેન હતા. ત્યારે જે કામગીરી ડોક્ટર સેલના પ્રમુખ તરીકે થઈ શકતી હોય તો મેયર સહિતના હોદ્દેદારો આ કામગીરી માટે કોર્પોરેશનમાં આરોગ્ય સમિતિ મારફતે વ્યવસ્થા કરાવી શક્યા હોત. પરંતુ કોર્પોરેશનની ફરજીયાત ફરજાે પુરી કરવાના બદલે કોરોના કાળમાં પણ રાજકીય દાવપેચો ચાલી રહ્યાનું સામે આવી રહ્યું છે.

ડો. વિજય શાહ, વડોદરામાં રૂા.૧૭૦૦માં રેમડેસિવિર મળતા નથી

થોડા સમય પૂર્વે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જાહેરાત કરી હતી કે શહેરના ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસીએશન સાથે મિટીંગ થઈ છે અને વડોદરાના નાગરીકોને રૂા. ૧૭૦૦માં રેમડેસિવીર ઈન્જેક્શન મળશે. આટલું જ નહીં સરકાર આ ભાવ માટે ટુંક સમયમાં નોટીફીકેશન પણ બહાર પાડશે તેવી જાહેરાત અખબારી યાદી મારફતે કરી હતી. ત્યારે વડોદરામાં આજે પણ આ કિંમતે રેમડેસિવીર ઈન્જેક્શન મળતા નથી તે વાત ભાજપ પ્રમુખે જાણવી જાેઈએ. આ ઉપરાંત વડોદરાના ઓએસડી ડો. વિનોદ રાવ કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આ ભાવ માટેનું કોઈ જાહેરનામું હજી સુધી પ્રસિધ્ધ કર્યું નથી તો તે ક્યાં અટક્યું છે તે પણ ભાજપ પ્રમુખે વડોદરાના નાગરીકોને જણાવવું જાેઈએ.