સુરત-

દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થયાં બાદ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળોએ મેઘરાજા મનમૂકીને વરસ્યો હતો. પરંતુ આજે સુરત અને નવસારી બાદ વડોદરામાં પણ મેઘો ધડબડાટી બોલાવી રહ્યો છે. વલસાડ જિલ્લામાં વરસાદે બે દિવસના વિરામ બાદ આજે વરસ્યો. અહીં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. ત્યારબાદ ધીમી ધારે વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આણંદમાં છેલ્લા 4 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે આણંદના જાહેર માર્ગો બેટમાં ફેરવાય ગયા છે. નીચાણવાળા વિસ્તારો અતિ પ્રભાવિત થયા છે. ચોતરફ જળ બંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ છે.

દક્ષિણ ગુજરાતથી ચોમાસું આગળ વધતા વડોદરાથી આણંદ અને ઉમરેઠ પહોંચ્યું હતું. પવન સાથે વરસાદનું આગમન થતાં જ ઉમરેઠમાં લાઇટો ગુલ થઇ ગઇ હતી. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં ભારે વરસાદ પડ્યો હતો. તો ઠાસરા, ડાકોર, સેવાલીયામાં વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. મેઘરાજાના આગમનથી ચરોતરના ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. નવસારી શહેરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થઇ ગયો છે. ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ પડતા શહેરીજનોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.

મોડીરાત્રે ભારે પવન બાદ ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ નોંધાયો હતો. ગોધરા તાલુકાના બગીડોળ, મહેલોલ, દરુણીયા, પોપટપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. મહેસાણા જિલ્લામાં ગતરાત્રીમાં સાવર્ત્રિક વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ જિલ્લામાં છુટા છવાયા ઝાપટા બાદ વહેલી સવારથી મેઘરાજાએ ધોધમાર ઇનિંગ શરૂ કરી હતી. તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. બહુચરાજી, જાેટાણામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. વહેલું ચોમાસુ શરૂ થતાં ખેડૂતોમાં આનંદ આવી ગયા છે.