અમદાવાદ,તા.૧૭

અમદાવાદ શહેરના પુર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ છેડાને જાેડતી મેટ્રો ટ્રેન છેલ્લા સાડા ત્રણ મહિના જેવા સમયથી દોડી રહી છે.જેનો લાભ નોકરિયાતો,ધંધાર્થીઓ તેમજ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ પણ કરતા રહ્યા છે.સવારે ૯ કલાકથી શરૂ થતી મેટ્રોની સવારી રાત્રે ૮ વાગ્યા સુધી ચાલતી હતી.જાે કે વિદ્યાર્થીઓ,નોકરિયાતોની રજુઆતને ધ્યાને લઈને ગુજરાત મેટ્રો રેલ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાને લઈને સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.જેમાં આગામી તા.૩૦ જાન્યુઆરીથી મેટ્રો ટ્રેન સવારે ૯ ને બદલે ૭ વાગ્યાથી દોડવા લાગશે અને રાત્રે ૧૦ વાગ્યા સુધી દોડશે.જેને કારણે મેટ્રો ટ્રેનના મહત્તમ મુસાફરોને આસાની થશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૩૦ સપ્ટેમ્બર ર૦રરના રોજ અમદાવાદ મેટ્રો સ્ટેશનના લોકાર્પણ બાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૧નો પ્રારંભ કરાવાયો હતો.જેમાં અમદાવાદના પુર્વ થી પશ્ચિમ વિસ્તારમાં ૧૭ સ્ટેશન અને ઉત્તર થી દક્ષિણ વિસ્તારમાં ૧પ મેટ્રો સ્ટેશન શરૂ કરીને બંને કોરિડોર પર કુલ ૪૦ કિલોમીટર મેટ્રો દોડતી થઈ હતી.અંદાજે સાડા ત્રણ મહિનામાં ૪૦ લાખ જેટલા મુસાફરોએ મેટ્રોની મુસાફરી કરી હતી અને મુસાફરોની સંખ્યામાં સતત વધારો થતો હોવાને કારણે હવે સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાલ થી થલતેજ અને વાસણા એપીએમસી થી મોટેરા ગામ સુધી મેટ્રો ટ્રેન દોડી રહી છે.

મેટ્રોની ફ્રિકવન્સી પણ વધારી દેવામાં આવતાં પુર્વ-પશ્ચિમ માટે ૧૮ મિનિટે મેટ્રો રેલ મળે છે અને ઉત્તર-દક્ષિણ માટે રપ મિનિટે મેટ્રો મળતી હોય છે.જાે કે હવે ૧પ જ મિનિટમાં મેટ્રો ટ્રેન મળી રહે તે બાબતે પણ વિચારણા હાથ ધરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસના કથળી ગયેલા વહીવટને કારણે શહેરીજનો ઉપરાંત બહારગામથી આવતા નાગરિકો પણ મેટ્રો રૂટ હોય ત્યાં સુધી મેટ્રો રેલની મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે.

૬.પ કિમી શહેરની નીચે દોડતી મેટ્રો

અમદાવાદ શહેરમાં દોડતી મેટ્રો ટ્રેન પહેલા ફેઝમાં ૪૦ કિલોમીટર દોડી રહી છે.શહેરના પુર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ છેડાને મેટ્રો જાેડી રહી છે,જેમાં ૩ર મેટ્રો સ્ટેશનો આવેલા છે.મેટ્રો ટ્રેન સાબરમતી નદીની ઉપર અને શહેરના નીચેથી પણ પસાર થાય છે.શહેરના ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈને કાંકરિયા પુર્વમાં બહાર નીકળે છે.શાહપુર દરવાજા થી કાંકરીયા સુધી અંડરગ્રાઉન્ડ ૬.પ કિમીનો રૂટ છે.મેટ્રો ટ્રેનમાં ૭ મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાય છે.શહેરના ટ્રાફિકથી ત્રસ્ત અનેક લોકો મેટ્રોની મુસાફરીનો આનંદ માણી રહ્યા છે.