ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી-શર્ટ પહેરીને આવતાં અધ્યક્ષે બહાર જવા આદેશ કર્યો

ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં ટી-શર્ટ પહેરીને આવેલા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને અધ્યક્ષે ગૃહમાંથી બહાર કાઢી મુક્તા મામલો ગરમાયો હતો. એટલું જ નહી ભાજપના સભ્યો દ્વારા ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પણ કરાઈ હતી. જાે કે આ મામલે મુખ્યમંત્રીએ ઉભા થઈને કહ્યું હતું કે, આ વાત નાની છે, અને વિમલભાઈની સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પરત ખેંચી છે. જયારે આ મામલે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, હું યુવાન અને ફીટ છું તો ટી-શર્ટ પહેરું છું, ગૃહમાં ભાજપના સભ્ય પણ ટી-શર્ટ પહેરીને બેઠાં હતા. અધ્યક્ષ વિધાનસભામાં સભ્યો માટે કોઈ ડ્રેસ કોડ કે કોઈ નિયમ બનાવે કે જે તમામને લાગુ પડે તો હું તેને અનુસરીશ.ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી-શર્ટ પહેરીને ગૃહમાં આવ્યા હતા. તેઓ પ્રશ્નોતરી બાદ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્ય વિમલ ચુડાસમાને ગૃહમાંથી બહાર નીકળી જવા અને શર્ટ પહેરીને આવવા સૂચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભા અધ્યક્ષ દ્વારા તમામ ધારાસભ્યોને ગૃહમાં ટી-શર્ટ ના પહેરવાનો આદેશ કર્યો હતો. તેમ છતાં આજે કેટલાક સભ્યોએ અને મંત્રી પણ ગૃહમાં ટી-શર્ટ પહેરીને આવે છે. આ સંજાેગોમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ગૃહમાં ટી- શર્ટ પહેરીને આવ્યા હતા. જાે કે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિમલ ચુડાસમાને ગૃહમાંથી નીકળી જવા અને શર્ટ પહેરીને આવવાની સૂચના આપી હતી. જેથી સાર્જન્ટે ચુડાસમાને ગૃહની બહાર મોકલ્યા હતા.વિધાનસભા અધ્યક્ષના આ ર્નિણયનો કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ કર્યો હતો. જેના કારણે કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો સામસામી આવી ગયા હતા. એટલું જ નહીં, ભાજપના સભ્યો દ્વારા ધારાસભ્ય વિમલ ચુડાસમાને ત્રણ દિવસ સુધી ગૃહની કામગીરી માંથી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી. જેના લીધે કોંગ્રેસના ધારાસભ્યો અકળાઈ ઉઠ્‌યા હતા અને આ ધારાસભ્યોનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહી તેમણે કહ્યું હતું કે, કેટલાક ધારાસભ્યો ગૃહમાં કાળા કપડાં પણ પહેરીને આવે છે તેમની સામે પણ પગલાં લેવાની માંગણી કરી હતી. આ દરમિયાનમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું હતું કે, હું તો મત વિસ્તારમાં પણ ટી-શર્ટ પહેરું છું, હું ફિટ (તંદુરસ્ત) છું, એટલે ટી-શર્ટ પહેરું છું, આ એકવીસમી સદી છે, યુવાનોની સદી છે.

આ વિવાદના કારણે ગૃહના નેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉભા થવું પડ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, આ આમ તો નાની એવી છે. આ વાતનો વિવાદ વિમલભાઈથી ઉપસ્થિત થયો હતો. ગૃહમાં આપણે તમામ સારો પહેરવેશ પહેરીને આવીએ તો ગૃહ માટે સારું રહે. મુખ્યમંત્રી રૂપાણીએ એમ પણ કહ્યું હતું કે, વિમલભાઈના સસ્પેન્શનની દરખાસ્ત પરત ખેંચી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદન બાદ આ મામલો થાળે પડ્યો હતો.

ભાજપના શ્રીવાસ્તવ પણ ટી-શર્ટ પહેરીને ગૃહમાં છેઃ વિમલ ચુડાસમા

વિધાનસભામાં ટી-શર્ટ વિવાદ બાદ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, હું ગૃહમાં ટી-શર્ટ પહેરીને આવ્યો હતો. ગૃહમાં સરકારના મંત્રી પણ ટી-શર્ટ પહેરીને આવે છે. યુવાન છું, ફીટ છું તો હું ટી-શર્ટ પહેરું છું. હું ગૃહમાં કોઈ અશોભનીય કપડાં પહેરીને આવ્યો નથી. તેમજ મારા ટી-શર્ટ ઉપર એવું કોઈ અભદ્ર લખાણ કે ચિત્ર નથી. ગૃહમાં મહિલા સભ્યો સાડી, ડ્રેસ પહેરીને આવે છે. તો પુરુષ સભ્યો ટી-શર્ટ કેમ ના પહેરી શકે. ધારાસભ્ય ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, ગૃહમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પણ ટી-શર્ટ પહેરીને આવે છે. આજે મારા ઉપરાંત ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ ટી-શર્ટ પહેરીને આવ્યા છે. તેઓ હજુ પણ ગૃહમાં બેઠા છે. તો આવું કેમ?

વિધાનસભામાં ડ્રેસ કોડ શું છે ?

ગુજરાત વિધાનસભાના ગૃહમાં અધ્યક્ષ સર્વોપરી હોય છે. ધારાસભ્યોના ડ્રેસ કોડથી માંડીને વર્તણૂંક અંગેના નિયમો અધ્યક્ષ નક્કી કરતા હોય છે. ખાસ કરીને અમૂક પ્રકારના કપડાં અને વર્તણૂક અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે કેટલાક નિયમો બહાર પાડ્યા હતા. જેમાં કાળા કપડાં અને ટી-શર્ટ સહિત કોઈપણ જાતના લખાણવાળા ખેસ કે શર્ટ ન પહેરવા માટેના આદેશો કરેલા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution