મોરબી-

સામાકાંઠા વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકી સાથે તેના પાડોશમાં રહેતા યુવકે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. જે અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ બાળકીના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેમના જ પાડોશમાં રહેતા રવી બધેલ નામના યુવકે 5 વર્ષની બાળકીને લોભ લાલચ આપી અને એકલી હોવાનો ફાયદો ઉઠાવીને તેને મંદિરની બાજુની જગ્યાએ લઈ ગયો હતો. ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું.

આ ઘટનાની જાણ થતા બાળકીને પ્રાથમિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી. પાંચ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ થતા ડીવાયએસપી સહિત બી ડિવિઝનનો પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચ્યો હતો અને આરોપી યુવાનને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં આરોપી યુવાનને ઝડપવાની દિશામાં પોલીસ કાર્યવાહી કરી રહી છે. મોરબીમાં પાંચ વર્ષની બાળકી પર તેના જ પાડોશીએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પાડોશીએ બાળકીને લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ બાળકીના પિતાએ કર્યો છે. હાલમાં પોલીસે આરોપી યુવાનને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.