મોરબી: કોરોનાની અસર સિરામિક ઉદ્યોગ પર જાેવા મળી, 90 જેટલા યુનિટો બંધ
12, મે 2021

મોરબી-

જિલ્લામાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલો છે. જાે કે હાલમાં દેશના જુદા-જુદા રાજ્યની અંદર લોકડાઉન કે પછી આંશિક લોકડાઉન હોવાથી સિરામિક ઉદ્યોગની મુશ્કેલીઓ વધી ગઈ છે. લોકડાઉન કે પછી આંશિક લોકડાઉન હોવાથી વેપારીઓ દ્વારા માલની ડિમાન્ડ ઓછી કરવામાં આવે છે. જેના લીધે સિરામિક કારખાનાની અંદર ગોડાઉનો છલકાઈ ગયા છે, ત્યારે લગભગ ૯૦ જેટલી સિરામિક ફેક્ટરીને હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે.

હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ઘણા રાજ્યની અંદર કોરોના કેસો વધારે આવે છે. કોરોનાના દર્દીઓના મૃત્યુનો આંકડો પણ દેશની અંદર વધી રહ્યો છે, ત્યારે ગુજરાત સહિત જુદા-જુદા દેશની અંદર લોકડાઉન કે પછી આંશિક લોકડાઉન સ્થાનિક સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલું છે. જેના લીધે આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાયની મોટાભાગની દુકાનો બંધ રહેતી હોવાથી તેની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પણ જાેવા મળી રહી છે. કારણ કે મોરબીના સિરામિક ઉદ્યોગે પણ ઉત્પાદન ઘટાડ્યું છે.

મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી વિગત મુજબ કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યની અંદર હાલમાં લોકડાઉન કે પછી આંશિક લોકડાઉન અમલમાં છે અને આની સીધી અસર સિરામિક ઉદ્યોગ પર થઈ છે. કારણ કે અન્ય રાજ્યોના વેપારીઓ દ્વારા નવો માલ મંગાવવામાં આવતો નથી. જેથી ૩૦ ટકા જેટલું લોડિંગ દરેક કારખાનાની અંદર ઘટી ગયું છે અને લોડિંગ ઘટી ગયું હોવાના કારણે મોટા ભાગના કારખાનાની અંદર ગોડાઉનમાં તૈયાર માલનો ભરાવો જાેવા મળે છે. ઘણા કારખાનેદારોએ પોતાના કારખાનાની અંદર ૩૦ ટકાથી લઈને ૫૦ ટકા સુધી ઉત્પાદનમાં કાપ મૂકી દીધો છે. કેટલાક રાજ્યોનો શ્રમિકો જે ફેકટરીઓમાં કામ કરે છે પણ લોકડાઉન વધુ સમય ચાલશે તેવું માની હાલ વતન તરફ જતા રહ્યા છે. પરિસ્થતિ સરળ બને ત્યાર બાદ જ પરત ફરશે. આના લીધે પણ મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ મુશ્કેલી ભોગવી રહ્યો છે અને આગામી સમયમાં વધુ ફેક્ટરીઓ બંધ થશે તેવી સંભાવના છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution