મોરબીમાં મૂશળધારઃ હાઈવે પાણીમાં ગરકાવ, મચ્છુ ૩-ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો
26, જુલાઈ 2021

મોરબી-

સૌરાષ્ટ્રમાં બરોબરનો અષાઢી માહોલ જામ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં મેઘમહેર યથાવત છે. મોરબી શહેર જિલ્લા પર મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. મોરબી શહેરમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જાેવા મળઈ હતી. નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાવાની સાથે અનેક ઘરોમાં પાણી ઘુસતા લોકોની કફોડી હાલત થઈ ગઈ છે. જ્યારે માર્ગો મદીના વહેણ બની જતા ટ્રાફિકજામની હાડમારી સર્જાઈ હતી. મચ્છુ ૩ ડેમ પણ સંપુર્ણ ભરાઈ ચૂક્યો છે. આ ઉપરાંત અનેક ગામોનો સંપર્ક પણ કપાયો છે.

મોરબીમાં ગતરાત્રીથી મેઘરાજા દે ધનાદનની જેમ સતત ધીમીધારે હેત વરસાવી રહ્યા છે. પણ સતત વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાવવાની કાયમી સમસ્યાએ મોં ફાડ્યું છે. જાે કે હજુ ત્રણથી વધુ ઈંચ જ વરસાદ પડ્યો છે. આટલા વરસાદમાં પણ ઠેરઠેર પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. તેમાંય નીચાણવાળા વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હોવાની ફરિયાદ ઉઠી છે. આ ઉપરાંત મોટાભાગના માર્ગો ઉપર નદીના વહેણની જેમ ધસમસતા પાણી ફરી વળ્યાં છે. રોડ ઉપર પાણી ભરાતા મુખ્ય રસ્તાઓ પર ઠેરઠેર ટ્રાફિકજામ સર્જાયો હતો. ખાસ કરીને શહેરમાંથી સામાકાંઠા તરફ સીરામીક એકમોમાં કામ સબબ નીકળેલા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. આથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મોરબીના શાકમાર્કેટની અંદર અને આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ સરદાર બાગ સામેના રસ્તા ઉપર ગોઠણસમા પાણી ભરાયા હતા. આ ઉપરાંત શનાળા રોડ તેમજ સુપર માર્કેટ ઉપર પાણી નદીના વહેણની જેમ ફરી વળ્યાં હતા. વાવડી રોડ અને લાતીપ્લોટ વિસ્તાર તેમજ આજુબાજુમાં ૩-૩ ફૂટ જેટલા પાણી ભરાતા હોડી લઈને પસાર થવું પડે એવી સ્થિતિ વચ્ચે વાહનોના વ્હીલ ડૂબી જાય તેવી કપરી સ્થિતિ સર્જાઈ હતી. તેમજ વાવડી રોડની ગાયત્રીનગર સહિતની સોસાયટીઓમાં તથા વીસીપરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution