30, નવેમ્બર 2023
મોરબી વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામીક ઉદ્યોગને નવું વર્ષ ફળ્યું નથી ઉલટું નવા વર્ષમાં ટાઢોડું આવી જતા ૧૦૦ જેટલા સિરામિક એકમો બંધ થયા છે. ગુજરાત ગેસના દૈનિક વપરાશમાં ૮ લાખ ક્યુબિક મીટર અને એલપીજી ગેસના વપરાશમાં દૈનિક ૧૦ લાખ ક્યુબિક મીટરનો ઘટાડો થતા સિરામીક ઇન્ડસ્ટ્રીઝ ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે. વર્ષે ૬૦ હજાર કરોડનું ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્નઓવર ધરાવતા વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામીક ઉદ્યોગને કોરોના મહામારી બાદ મંદીનો સામનો કરવાનો સમય જાેવો પડ્યો છે. ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ તળિયે બેસી ગયા બાદ મોરબીનો સિરામીક ઉદ્યોગ એક્સપોર્ટ ઉપર મદાર રાખી રહ્યો છે, પરંતુ હાલમાં દિવાળી બાદ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ડિમાન્ડ તળિયે પહોંચી જતા સિરામીક ઇન્ડસ્ટ્રીઝને બોણીને બદલે મંદીનો ફટકો પડ્યો છે. મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ હરેશભાઇ બોપલીયાના જણાવ્યા મુજબ દિવાળી બાદ સારા વ્યાપારની આશા હતી, પરંતુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ તળિયે બેસી જતા મોરબી ક્લસ્ટરમાં આવેલા ૮૨૫ જેટલા સીરામીક એકમો પૈકી હાલમાં ૧૦૦ જેટલા એકમો બંધ થયા છે. વધુમાં હરેશભાઇ બોપલીયા ઉમેરે છે, મોરબીમાં દિવાળી પૂર્વે ગુજરાત ગેસના પાઈપલાઈન ગેસનો સરેરાશ દૈનિક ૪૦ લાખ ક્યુબિક મીટર વપરાશ હતો. જે હાલમાં ઘટીને ૩૨ લાખ ક્યુબિક મીટર થયો છે. એ જ રીતે મોરબીમાં એલપીજી ગેસનો પણ દૈનિક ૪૦ લાખ ક્યુબિક મીટર વપરાશ હતો જે પણ ઘટીને ૩૦ લાખ ક્યુબિક મીટર દૈનિક થયો છે જે મંદીની ગવાહી આપી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં આ મંદીના માહોલમાં સૌથી વધુ અસર વોલ ટાઇલ્સ એકમો ઉપર પડી રહી હોવાનું મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ હરેશભાઇ બોપલીયાએ જણાવ્યું હતું. સાથે જ વિટ્રિફાઇડ, ફ્લોર તેમજ અન્ય સેગમેન્ટમાં પણ ઉદ્યોગકારો મંદીનો સામનો કરી રહ્યા હોવાનું અને ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ માર્કેટમાં લેવાલી ઠપ્પ હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.