દૂષિત પાણીને લીધે૧૫૦થી વધુ લોકો બિમારીમાં પટકાયા
20, મે 2024 297   |  

નડિયાદ નડિયાદ શહેરમાં પીવાના દુષિત પાણીને લઇને ફરી એકવાર નગરજનોની તબિયત લથડી છે. હજી થોડા દિવસ પહેલાં જ બારકોશિયા રોડ ઉપર દૂષિત પાણી પીધા બાદ ઝાડા-ઉલ્ટીના કેસ મળી આવ્યા હતા. ત્યારે શનિવાર - રવિવારે નડિયાદના ઇન્દિરા નગરી વિસ્તારમાં દૂષિત - દુર્ગંધયુક્ત પાણીને કારણે ૧૫૦ થી વધુ લોકોની તબિયત લથડી છે. જેમને હાલમાં સારવાર અપાઈ રહી છે. ૫૦ દર્દીઓની તબિયત વધુ લથડતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જઇને સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ઇન્દિરા નગરીમાં ૬ દિવસથી આવતા દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીને કારણે આ વિસ્તારમાં લોકોની તબિયત લથડતાં ૧૫૦થી વધુ લોકોને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત ૫૦ જેટલાં લોકોની તબિયત વધુ બગડતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડતાં આરોગ્યની ટીમ પણ દોડતી થઇ હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરીને જરૂરી સારવાર આપવામાં આવી હતી. જાેકે, હાલમાં પાણીની લાઇનમાં ભંગાણને કારણે પાણી દૂષિત થતાં સમસ્યા સર્જાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક કાઉન્સિલર સંજયભાઇ પટેલ દ્વારા આ મામલે પાલિકામાં રજૂઆત કરવામાં આવતાં હાલમાં પાઇપ લાઇનમાં લિકેજની કામગીરી શરૂ કરવામાં આવી છે. જાેકે, હજીપણ જે લોકોની તબિયતમાં સુધારો નથી તેમને હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઇને રહીશો પરેશાન થઇ રહ્યા છે. સિવિલમાં ૧૫ બેડનો નવો વોર્ડ તૈયાર કરાયો સબ સલામત | સરકારી રિપોર્ટમાં માત્ર ૩૨ કેસ સરકારી ટીમના સર્વેલન્સ અનુસાર ઝાડાના કુલ ૨૮ અને ઝાડા-ઉલ્ટીના કુલ ૪ કેસ મળીને કુલ ૩૨ કેસ મળી આવ્યા છે. જેમાં ૯ પુરૂષ અને ૨૩ મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. જેમાંથી ૧૭ દર્દી સિવિલ હોસ્પિટલમાં અને ૧ દર્દી મહાગુજરાત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયારે રહીશોના જણાવ્યા મુજબ ૧૦૦થી વધુ લોકો બિમારી પડયા છે. ઇન્દિરા નગરી વિસ્તારમાં વધી રહેલી દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં લઇને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ૧૫ બેડનો નવો વોર્ડ તાત્કાલિક ધોરણે તૈયાર કરવામાં આવ્યો છે. જેથી કરીને અન્ય દર્દીઓ આવે તો તેમને ત્વરિત પુરતી સારવાર મળી રહે. આ બાબતે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પાણીમાંથી અસહ્ય દુર્ગંધ આવે છે અને લાલ રંગની જીવાત પણ જાેવા મળે છે. સાથે સાથે પાણીમાં રેતી પણ આવે છે. પાણીમાંથી એટલી દુર્ગંધ આવે છે કે પાણી પીવાનું પણ મન ન થાય. ૫૦ દર્દીઓ હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ઇન્દિરા નગરીમાં છેલ્લા ૬ દિવસથી આવી રહેલાં દૂષિત પાણીને પગલે એક પછી એક દર્દીઓની તબિયત લથડતાં ૫૦ દર્દીઓને શહેરની એન ડી દેસાઇ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, મહાગુજરાત હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution