વડોદરા, તા.૨૯

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં તાજેતરમાં ગેરકાયદે દબાણો પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. તે દરમિયાન ગેરકાયદે શેડ ઉભા કરનારા ને સ્વેચ્છાએ શેડ હટાવી દેવા સૂચના આપી હતી તેમ છતાં તે નહીં હટાવતા આજે કોર્પોરેશનના દબાણ વિભાગ દ્વારા ફરી એકવાર અકોટા ગાર્ડનથી મુંજ મહુડાના રસ્તા ઉપર ગેરકાયદે ૨૦ થી વધુ શેડ જેસીબી તેમજ હથોડા દ્વારા તોડી નાખવામાં આવ્યા હતા.અને રસ્તો ખુલ્લો કર્યા હતો.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એક વાર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે રોજ અલગ અલગ વિસ્તારમાંથી રસ્તાને અને ટ્રાફીકને નડતરરૃપ એવા લારી-ગલ્લા હટાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં અકોટા ગાર્ડન થી લઈને મુજ મહુડા સુધીના વિસ્તારમાં ગેરકાયદે રીતે શેડ બાંધી ને હોટેલો ચલાવતાં સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા હતા તે સમયે મેયર અને અધિકારીઓએ ગેરકાયદે શેડ દૂર કરવા દુકાનો અને હોટેલના સંચાલકો ને જણાવ્યું હતું તેમ છતાં ખાણી પીણીની હોટલો, ગેરેજ તેમજ ઓટો પાટ્‌ર્સ સહિતના સંચાલકોએ કોઈ કાર્યવાહી કરી નથી.

ત્યારે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે આજે ફરી એકવારજાેસીબી, હથોડા સહિતના સાઘનો સાથે ત્રાટકી હતી અને અકોટા ગાર્ડનથી મુંજ મહુડા રોડ સુધીના ગેરકાયદે દુકાનો અને હોટલોના શેડ તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરતાં તેને રોકવા માટેના પ્રયત્નો થયા હતા અને કેટલાકે વિરોધ કર્યો હતો.પરંતુ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે ગેરકાયદે શેડ ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું અને ૨૦ થી વધુ શેડ તોડી પાડ્યા હતા.અને જગ્યા ખુલ્લી કરી હતી.