વડોદરા,તા. ૧૪ 

વડોદરા શહેર-જિલ્લામાં રવિવારે રાતથી શરૂ થયેલ વરસાદે સતત પાંચમા દિવસે બેટિંગ ચાલુ રાખી હતી.આજના દિવસમાં સવા બે ઇંચ વરસાદ સાથે છેલ્લા ૩૬ કલાકમાં વડોદરા શહેરમાં ૫ ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયાં હતા. આ ઉપરાંત ૧૧થી વધુ જગ્યાઓએ ઝાડ પડવાને કારણે સંખ્યાબંધ વાહનો દબાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી કેટલાક સ્થળોએ લોકો તરાપા લઈને નીકળી પડયા હતા.

રવિવારે રાત્રે વીજળીના કડાકા સાથે શરુ થયેલ વરસાદ આજે સતત પાંચ દિવસ સુધી બંધ રહ્યો નથી. સતત વરસી રહેલા વરસાદને પગલે વડોદરા શહેરના મોટાભાગના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરમાં વિવિધ ૧૧ જગ્યાઓએ ઝાડ પડતા સંખ્યાબંધ વાહનો દબાઈ ગયા હતા. આ ઉપરાંત ૩ જગ્યાઓએ મકાન પડવાના કિસ્સાઓમાં એક વૃધ્ધાનું મોત પણ નીપજ્યું હતું. જિલ્લા પૂર નિયંત્રણકક્ષના સૂત્રો દ્વારા આજે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં, પાદરા તાલુકામાં ૪૨ મિ.મી., વાઘોડિયામાં ૨૯ મિ.મી., વડોદરા શહેરમાં ૫૯ મિ.મી., ડેસરમાં ૯ મિ.મી., સાવલીમાં ૨૧ મિ.મી., ડભોઈમાં ૩૪ મિ.મી., કરજણમાં ૬૫ મિ.મી. અને શિનોરમાં ૧૯ મિ.મી. વરસાદ થયો હતો. વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં પડેલા ૫ ઇંચથી વધુ વરસાદ તેમજ ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે વિશ્વામિત્રી તેમજ શહેરના બે મુખ્ય જળાશયોમાં પાણીની આવક વધતા કાંઠાના ગામો અને વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેર અને જિલ્લાના તંત્ર દ્વારા ફાયરબ્રિગેડથી લઈને એનઆરડીએફની ટીમોને પણ ટીયર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.

૧૫મી ઓગષ્ટે મધરાત્રે આજવા સરોવરના દરવાજા ખોલાશે, વિશ્વામિત્રીનું લેવલ વધશે

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે હાલમાં આજવા સરોવરના દરવાજા ૨૧૧ ફુટ પર રાખવામાં આવ્યા છે. જોકે, આવતીકાલે પણ વરસાદની ભારે આગાહીને પગલે તંત્ર દ્વારા ૧૫મી ઓગષ્ટના મોડીરાત્રે આજવા સરોવરના દરવાજા વધુ એક ફુટ ખોલીને ૨૧૨ ફુટ પર રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી વધવાની પુરેપુરી શક્યતાઓ વચ્ચે કાંઠાના ગામોને એલર્ટ પર રહેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

થાંભલા પરથી ઉતરેલા કરંટને કારણે ભેંસનું મોત

અનગઢ ઢીંગાવાળ વિસ્તારમાં નવા નિર્માણ થઈ રહેલા મુંબઇ દિલ્લી એક્સપ્રેસ વે નજીક આવેલ ઇલેક્ટ્રિક સીટી ટ્રાન્સફોર્મરના થાંભલામાંથી કરંટ લાગતા ભેંસનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ઝુંપડા પર ઝાડ પડતા વૃદ્ધાનું મોત

 માંજલપુર વિસ્તારમાં રેલવે ફાટક પાસે એક તોતિંગ વૃક્ષ ઝૂંપડા ઉપર પડ્યું હતું. ઝૂંપડામાં રહેતી ૭૦ વર્ષીય વૃદ્ધા જશોદાબહેન પઢીયાર(ઉં.વ.૭૦)નું મોત નીપજ્યું હતું. માંજલપુર વિસ્તારના રામદેવનગર પાસે આવેલી ખોડિયારનગર નજીક રેલવે ફાટક પાસે આજે સવારે એક તોતિંગ વૃક્ષ ઝૂંપડા ઉપર પડ્યું હતું. ઝૂંપડામાં એક વૃદ્ધા હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.

વરસાદ વચ્ચે જીવના જાેખમે કામગીરી કરતાં વીજ કર્મચારીઓ

છાણી ગામે જીઈબીનો સ્ટાફ આટલા વરસતા વરસાદમાં પોતાનો જીવ જોખમમાં નાખીને કામ કરે છે ઇલેક્ટ્રિસિટીની ફરિયાદનો નિકાલ કરતા હોય તો એમનું દુઃખ સમજવાની કોશિશ કરજો.

શહેરમાં ૧૧ જગ્યાએ વૃક્ષો ધરાશાયી

 સતત વરસી રહેલા વરસાદને પગલે ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં ૧૧થી વધુ જગ્યાઓએ ઝાડ પડ્યા હોવાના બનાવ સામે આવ્યા હતા. જે પૈકી સુભાનપુરા સમતા સોસાયટી પાસે વૃક્ષ પડતા બે વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. આ સાથે વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં એક તોતિંગ વૃક્ષ પાર્ક કરેલી લકઝરી બસ ઉપર પડ્યું હતું. વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ બસ ઉપર પડતાં બસને નુકસાન થયું હતું. જોકે, કોઇ જાનહાની થઇ નહોતી. આ બંને બનાવની જાણ ફાયર બ્રિગેડના લાશ્કરોને થતાં સ્થળ પર ટીમ પહોંચી ગઇ હતી. અને વૃક્ષને દૂર કર્યું હતું.

વરસાદને પગલે ધ્વજવંદનના કાર્યક્રમો પર પણ સંકટ

છેલ્લા ત્રણ દિવસથી શહેર-જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે સ્વતંત્રતા દિવસના રોજ યોજાનાર કાર્યક્રમોના આયોજન પર સંકટના વાદળો ઘેરાયા છે. છેલ્લા ૩૬ કલાકમાં પડેલો ૫ ઇંચથી વધુ વરસાદ જો આવતીકાલે સવારે પણ ચાલુ રહેશે તો ધ્વજવંદનના કાર્યક્રમો યોજાશે કે કેમ તે અંગે આયોજકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

ભાજ૫ના પાપે...

શહેરમાં હજુ સાંબેલાધાર વરસાદ પડ્યો જ નથી. એવામાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની જેમ શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ઉતરી ગયા છે. ચાર દરવાજા વિસ્તારની આસપાસ પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત પૂર્વ વિસ્તારમાં ખોડિયારનગરની આસપાસનો સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ગોરવા વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં એટલી હદ સુધી પાણી ભરાયા હતા કે લોકો તરાપા લઈને નીકળી પડયા હતા. આ ઉપરાંત વડસર ગામથી કોટેશ્વર ગામ તરફ જવાનો રસ્તો પાણી ભરાઈ જવાને કારણે બંધ કરવાની ફરજ પડી હતી. નિચાણવાળા ઘણાબધા એવા વિસ્તારો છે કે જ્યા લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરી સહીત અનાજ પણ પલળી ગયું હતું. માત્ર આટલા વરસાદમાં આ હદ સુધીના નુકસાનને પગલે લોકોમાં ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓ વિરોધ્ધ આક્રોશ જોવા મળ્યો હતો.

કાલ૫ુરા અને મદનઝાંપામાં મકાન ધરાશાયી

ગઈકાલે રાત્રી દરમ્યાન શહેરના બે જુદા જુદા વિસ્તારોમાં મકાન ધારાશાઓ થવાના કિસ્સા સામે આવ્યા હતા. પહેલા બનાવમાં કાલુપુરા મેઈન રોડ પર સુધરાઈ સ્ટોર પાસે એક બંધ મકાન પડી ગયું હોવાનો કાૅલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. સ્થળ પર જઈને તપાસ કરતા મકાનનો આગળનો ભાગ પડી જવાને કારણે બે ટૂ વ્હીલર અને એક સાયકલ દબાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. બીજા બનાવમાં પથ્થરગેટ મદનઝાંપા રોડ પર એક ઘર પડી જવાથી નીચે બે લારીઓ દબાઈ ગઈ હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. સ્થળ પર જઈને તપાસ કરતા મકાન પડવાને કારણે તેની નીચેના ૪ કેબીન દબાઈ ગયા હતા. આ અંગે જી.ઈ.બી ને જાણ કરીને ચારેય કેબીનના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. સદ્‌નસીબે આ બંને બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

પરશુરામ ભઠ્ઠામાંથી ૪૦૦નું સ્થળાંતર

સયાજીગંજના નીચાણવાળા વિસ્તાર પરશુરામ ભઠ્ઠામાં રહેતા ૪૦૦થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. આ તમામ લોકોને સયાજીગંજની મગનભાઈ પટેલ પ્રાથમિક શાળા ખાતે ખસેડવામાં આવ્યા છે. આવતીકાલથી શહેરના અન્ય નિચાણવાળા વિસ્તારોમાંથી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવશે, તેવું જાણવા મળ્યું છે.

સાંજના ૬ વાગ્યા સુધી જળાશયો અને વિશ્વામિત્રીની સપાટી

 ભયજનક સપાટી હાલની સપાટી

વિશ્વામિત્રી ૨૬ ફુટ ૧૯ ફુટ

આજવા સરોવર ૨૧૪ ફુટ ૨૧૧.૩૦ ફુટ

પ્રતાપપુરા સરોવર ૨૨૯.૫૦ ફુટ ૨૨૬ ફુટ