વડોદરા, તા.૧૮ 

કોરોનાના સંક્રમણનો બીજાે તબક્કો શરૂ થઈ ચૂકયો છે ત્યારે કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. દેશના રાજ્યો અને તંત્ર દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે તમામ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે તેમ છતાં શહેર-જિલ્લામાં મક્કમ ગતિએ વધી રહેલા કોરોના અંતર્ગત આજે ૧૦૪ વધુ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧૯,૯૯૧ પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ ૧૮,૪૨૧ લોકો કોરોનાને માત આપી ચૂકયા છે. જ્યારે આજે ૭ વ્યક્તિઓના બિનસત્તાવાર મૃત્યુ થયા હતા. જ્યારે ડેથ ઓડિટ કમિટીએ કોરોનામાં એકપણ મોત જાહેર ન કરતાં મૃત્યુઆંક ૨૩૨ પર સ્થિર રહ્યો હતો. આજે ૧૧૫ જેટલા દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં ૬ દર્દીઓ સરકારી, ૨૧ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાંથી, ૮૮ દર્દીઓને હોમ આઈસોલેશનમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કુલ ડિસ્ચાર્જ સંખ્યા ૧૮,૪૨૧ થઈ હતી.

મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે અટલાદરા, સવાદ, સુભાનપુરા, ગોરવા, વારસિયા, કારેલીબાગ, જેતલપુર, ગોત્રી, સમા, ફતેપુરા, યમુના મિલ, માંજલપુર, બાપોદ, અકોટા અને વડસર સહિતના વિસ્તારો તેમજ ગ્રામ્યના વેમાલી, કરજણ, ચાંદોદ, ડભોઈ, પાદરા, દશરથ અને ભાયલી સહિતના વિસ્તારોમાં કુલ ૩૮૦૯ જેટલા કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૩૭૦૫ નેગેટિવ અને ૧૦૪ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. બીજી તરફ હાલના તબક્કે શહેરની અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ૧૩૩૮ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જેમાં ૫૯ દર્દીઓ વેન્ટિલેટર પર, ૧૫૩ દર્દીઓ ઓક્સિજન પર અને ૧૧૨૬ સ્ટેબલ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આજે આવેલા ૧૦૪ કોરોનાના પોઝિટિવ કેસોમાં ગ્રામ્યમાંથી ૪૧ અને શહેરના ચાર ઝોન પૈકી દક્ષિણ ઝોનમાં ૧૭, ઉત્તર ઝોનમાં ૧૬, પશ્ચિમ ઝોનમાં ૧૬ અને પૂર્વ ઝોનમાં ૧૪ કેસોનો સમાવેશ થાય છે.