બોરીયા -૧ બૂથ પર ફેર મતદાનમાં વધુ મત પડ્યાં!
05, માર્ચ 2021

આણંદ : આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તા.૨૮ ફેબ્રુઆરીએ યોજાયેલાં મતદાન બાદ તા.૨ માર્ચના રોજ મતગણતરીમાં પેટલાદ તાલુકાની સિંહોલ જિલ્લા પંચાયત બેઠકના બોરીયા-૧ બૂથના ઇવીએમમાં ટેક્‌નિકલ ખામી સર્જાઈ હતી. પરિણામે આ કેન્દ્રનું ચૂંટણી પરિણામ જાહેર થઈ શક્યું નહોતું. ચૂંટણી પંચે આ બાબતે તા.૪ માર્ચે ફરી મતદાન યોજવાનો ર્નિણય લીધો હતો. આજે સવારે ૭ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. જાેકે, મતદારોને ઘરેથી મતદાન મથકો સુધી લાવવા રાજકીય પક્ષોએ જહેમત ઊઠાવવી પડી હતી.

ગત તા.૨ માર્ચે મતગણતરી દરમિયાન પેટલાદ તાલુકાના સિંહોલ બેઠકના બોરીયા બૂથ-૧ના ઇવીએમમાં ટેક્‌નિકલ ખામી સર્જાતા તે ખુલી શક્યું નહોતું, જેનાં કારણે આ બૂથ પર પરિણામ જાહેર થઈ શક્યું ન હતું. ટેકનિકલ એન્જિનિયર્સ દ્વારા બે દિવસ સુધી આ ઇવીએમને ક્ષતિ મુક્ત કરવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતાં. જાેકે, ક્ષતિ દૂર ન થતાં ચૂંટણી પંચે તા.૪ માર્ચે ફેર મતદાન કરવા જાહેરાત કરી હતી.

આજે તા.૪ માર્ચના રોજ સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે ૬ વાગ્યા સુધી ચાલ્યું હતું. મજાની વાત તો એ બની છે કે, ફેરમતદાન પ્રક્રિયામાં મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા આવ્યાં હતાં અને પહેલી વખત કરતાં વધુ મત પડ્યાં હતાં.

આણંદ જિલ્લા વહીવટી તંત્રને આજે સિંહોલ જિલ્લા પંચાયતની બેઠક પર બોરીયા ગામે ફેરમતદાન કરાવવાની ફરજ પડી હતી. સવારથી બોરીયા ગામે ગ્રામીણ વિસ્તારના મતદારોની લાઇનો લાગી હતી. જાેકે, એ માટે રાજકીય પક્ષોએ જહેમત ઊઠાવી હતી. બોરીયા પ્રાથમિક શાળા બૂથ નં-૧ની પુનઃ મતદાન પ્રક્રિયામાં મોડી સાંજ સુધીમાં ૯૦૨ મતદારોના આ બૂથમાં ૭૦૦થી વધુ મત પડી ચૂક્યાં હતાં. આંણદ જિલ્લા ચૂંટણી નિરીક્ષક વીણા પટેલે પણ બૂથની મુલાકાત લીધી હતી.

બોરીયા બૂથ ૧માં ચાલી રહેલ મતદાનમાં ૧૨ વાગ્યા સુધી ૫૭૫ લોકોએ મતદાન કર્યું હતું. તા.૫ માર્ચે આ એક ઇવીએમમાં થયેલાં મતદાનના પરિણામ જાહેર કરવામાં આવશે. સિંહોલ જિલ્લા પંચાયતના બોરીયા બૂથ-૧ની આવતીકાલે સવારે ૯ વાગ્યાથી મત ગણતરી શરૂ થશે, જેનાં આધારે સિંહોલ બેઠકના વિજેતા ઉમેદવારના નામની જાહેરાત થઈ શકશે.

પહેલાં ૫૯૩ મત પડ્યાં હતાં, ફેર મતદાનમાં ૭૦૦થી વધારે મત પડ્યાં!

૩૫-સિંહોલ જિલ્લા પંચાયત મતદાર મંડળની આ બેઠક ઉપર ઉમેદવારોને બોરીયા-૧ મતદાનમથક સિવાયના મતદાન મથકોમાંથી કોંગ્રેસના કોકીલાબેન મહેશભાઈ પરમારને ૮૮૧૪ તેમજ ભાજપના નીતાબેન જયેશ કુમાર સોનારાને ૮૩૫૭ મત મળ્યાં છે. બંને વચ્ચે ૪૫૭ મતનો તફાવત છે, જ્યારે બોરીયા-૧ મતદાન મથકમાં કુલ ૫૯૩ મત પડ્યાં હતાં, જેની ગણતરી થઈ શકી ન હતી. નવાઈની વાત એ છે કે, આ બેઠક પર કુલ ૯૦૨ મતદારો નોંધાયેલાં છે. ફેર મતદાનમાં આજે મોડી સાંજ સુધીમાં ૭૦૦ ઉપરાંત મતદારો મતદાન કરી ચૂક્યાં હતાં! મતલબ કે, ફેર ચૂંટણીમાં મતદાનની ટકાવારી ક્યાંય વધી ગઈ છે. આવતીકાલે આ બેઠકનું પરિણામ રરસપ્રદ રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution