થરાદ પાસેની કેનાલમાં માતાએ ચાર પુત્રીઓ સાથે ઝંપલાવ્યુંઃ ત્રણના મોત, બેનો બચાવ
17, જુલાઈ 2021

બનાસકાંઠા-

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલ હવે મોતની કેનાલ બની રહી છે. વારંવાર લોકો અગમ્ય કારણોસર કેનાલમાં પડી આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આજે એક મહિલાએ તેના ચાર પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યુ હતું. જેમાં બે પુત્રીઓ તેમજ માતાનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી કેનાલ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની છે પરંતુ આ આશીર્વાદરૂપ કેનાલ હોવી અહીંના લોકો માટે સુસાઈડ પોઈન્ટ બની ગયું છે. થરાદમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં આજે વાવના ચોથાનેસડા ગામના દિવાળીબેન પરમારે અગમ્ય કારણોસર ચાર પુત્રીઓ સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

નર્મદાની મુખ્ય કેનાલમાં માતાએ પોતાના ચાર બાળકો સાથે ઝંપલાવતા આજુબાજુના લોકો તેમજ સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક ધોરણે કલાકો સુધી બચાવ કામગીરી હાથ ધરતા બે પુત્રીઓનો આબાદ બચાવ થયો છે. જ્યારે માતા અને બે પુત્રીઓનું ડુબી જતા મોત થયું હતું.સ્થાનિક લોકો તેમજ નર્મદા કેનાલમાં આત્મહત્યા કરતા અનેક લોકોને બચાવનાર તરવૈયા સુલતાન મીરે દ્વારા આ સમગ્ર રબચાવ કામગીરી કરવામાં આવી હતી. જેમાં બે બાળકોનો આબાદ બચાવ થયો. અત્યારે તેમને સ્થાનિક લોકો રાખી રહ્યા છે. જ્યારે માતા તેમજ જે બાળકોના મોત થયા છે તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથધરી છે. સ્થાનિક તરવૈયા સુલતાન મીરે જણાવ્યું હતું કે સમાચાર મળતા જ અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યાં જેમાં માતા અને પલબે પુત્રી ના મોત થયા જ્યારે બે બાળકોને બચાવ્યા હતા. થરાદ વિસ્તારની કેનાલો મોતની કેનાલો બની છે. દરરોજ કેનાલમાંથી લાશ મળવી એ અહીંના લોકો માટે સામાન્ય બાબત બની ગઈ છે. આજે એક સાથે પાંચ લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution